- 10 દિવસ બાદ ફરી પાસપોર્ટ/પોસ્ટ ઓફિસને બોંમ્બથી ઉડાવી દેવાની ધમકી
- બપોરે 1.15 કલાકે પાસપોર્ટ/પોસ્ટ ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટ થશે તેવી ધમકી ભર્યો મેઈલ બાદ રાજકોટ ડિવિઝન ઓફિસના આદેશ બાદ તપાસ
સુરતના પીપલોદમાં આવેલી પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ગત તા.૨૭ ફેબુ્રઆરીના રોજ ઈ-મેઈલથી મળેલી ધમકીના ૧૦ દિવસ બાદ આજે ફરી સુરતની પાસપોર્ટ/પોસ્ટ ઓફિસમાં ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં પાસપોર્ટ/પોસ્ટમાં બપોરે ૧.૧૦ કલાકે બોમ્બ બ્લાસ્ટ થશે તેવી ધમકી આપવામાં આવી હતી. ધમકી ભર્યા ઈ-મેઈલ બાદ પોસ્ટ વિભાગ સાબદું બની તમામ હેડ ઓફિસમાં ચેકિંગના આદેશ કર્યાં હતા. જે અંતર્ગત રાજકોટ ડિવિઝન ઓફિસના સવારે ૧૦.૫૫ કલાકના આદેશ બાદ ભાવનગર પોસ્ટ વિભાગ દ્વારા જિલ્લા પોલીસવડા અને પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરવામાં આવતા ભાવનગર પોલીસની બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી, સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમો હેડ પોસ્ટ ઓફિસ ખાતે દોડી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોની સતત અવર-જવર ધરાવતા વિસ્તારમાં ફરી પોલીસના ચેકિંગથી પોસ્ટો ઓફિસ બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પોલીસના ચેકિંગના પગલે બે થી ત્રણ કલાક સુધી પોસ્ટ ઓફિસની કામગીરી પ્રભાવિત થઈ હતી.
મદ્રાસ ટાઈગરના નામે મેઈલ આવ્યો હતો
સુરત રિઝનલ પાસપોર્ટ ઓફિસમાં મદ્રાસ ટાઈગર નામના મેઈલ આઈડી પરથી મેઈલ આજે બપોરે ૧.૧૦ કલાકે પાસપોર્ટ/પોસ્ટ ઓફિસમાં બ્લાસ્ટ થશે તેવી ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. ૧૦ દિવસ પૂર્વે આવેલા મેઈલમાં બપોરે ૧૨.૧૦ કલાકે બ્લાસ્ટ થશે તેવી ધમકી આપવામાં આવી હતી તેમ ભાવનગર પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટે જણાવ્યું હતું.
કંઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી : પીઆઈ
આ મામલે ભાવનગર એસઓજી પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલરૂમ તરફથી જાણ કરવામાં આવતા બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિસ્તારને કોર્ડન કરી પોસ્ટ ઓફિસમાં ચેકિંગ કર્યું હતું. આશરે દોઢથી બે કલાક સુધી સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કંઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
ડિવિઝન ઓફિસની સુચનાથી સાવચેતીના ભાગરૂપે પોલીસને જાણ કરી : આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ
આ મામલે ભાવનગર પોસ્ટ વિભાગના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ વિશાલ જાદવે જણાવ્યું હતું કે, સુરત રિઝનલ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ/પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે બાદ ડિવિઝન ઓફિસ રાજકોટના આદેશ પછી સાવચેતીના ભાગરૂપે અમે પોલીસ અને ફાયરને જાણ કરી હતી અને પોલીસની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.


