Get The App

દૂધના ટીપા જેવો આકાર: આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ EXCLUSIVE તસવીરો

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
દૂધના ટીપા જેવો આકાર: આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ EXCLUSIVE તસવીરો 1 - image

High-Tech Bullet Train Station In Anand: ભારતની ‘દુગ્ધ રાજધાની’ ગણાતા આણંદના આંગણે પણ બુલેટ ટ્રેનની રફતાર જોવા અને અનુભવવા મળશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર હેઠળ આણંદમાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન હવે આખરી ઓપ લઈ રહ્યું છે. આ સ્ટેશન માત્ર પરિવહનનું માધ્યમ નહીં, પણ આણંદની ડેરી ઉદ્યોગની ઓળખને વિશ્વ સ્તરે પ્રદર્શિત કરતું એક આર્કિટેક્ચરલ મોડલ બની રહેશે.

દૂધની બૂંદોથી પ્રેરિત અનોખી ડિઝાઇન

આણંદ શહેર ‘ભારતનું દુગ્ધનગર’ (Milk City of India) તરીકે જગપ્રસિદ્ધ છે. આ ઓળખને જાળવી રાખવા માટે સ્ટેશનનું બાહ્ય સ્વરૂપ (ફસાડ) અને આંતરિક ડિઝાઇન દૂધની બૂંદો (Milk Drops)થી પ્રેરિત રાખવામાં આવી છે. સફેદ રંગ અને તરલ પ્રકૃતિ જેવો આકાર સ્ટેશનને એક અનોખો અને ભવ્ય લુક આપે છે.

દૂધના ટીપા જેવો આકાર: આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ EXCLUSIVE તસવીરો 2 - image
દૂધના ટીપા જેવી ડિઝાઇન ધરાવતું સ્ટેશનનું એક્સટીરિયર

સ્ટેશનની મુખ્ય વિશેષતાઓ

આ સ્ટેશન 25.6 મીટરની ઊંચાઈ ધરાવે છે અને કુલ 44,073 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. સ્ટેશનમાં ત્રણ સ્તર હશે, જેમાં બે સાઇડ પ્લેટફોર્મ અને મધ્યમાં ચાર ટ્રેકની વ્યવસ્થા હશે. સ્ટેશન ટિકિટિંગ, પ્રતીક્ષાલય, નર્સરી, અદ્યતન શૌચાલયો અને રિટેલ સેન્ટરો જેવી સુવિધાઓથી સજ્જ હશે. વીજળીની બચત અને આધુનિક લુક માટે છત તેમજ બાહ્ય ભાગોમાં 'સ્કાઇલાઇટ' મૂકવામાં આવી છે, જેથી સ્ટેશનમાં કુદરતી પ્રકાશ મળી રહેશે.

દૂધના ટીપા જેવો આકાર: આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ EXCLUSIVE તસવીરો 3 - image
પ્રાકૃતિક પ્રકાશ માટે છતમાં લગાવવામાં આવેલી સ્કાઇલાઇટ

કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટ હબ

આ સ્ટેશનને એક ‘ટ્રાન્સપોર્ટ હબ’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે પાર્કિંગ, ઓટો-બસ પિકઅપ પોઈન્ટ અને વિશાળ પેદલ યાત્રી પ્લાઝા બનાવવામાં આવશે. નજીકનું રેલવે સ્ટેશન ઉત્તરાસંડા (600 મીટર) અને નડિયાદ જંક્શન (10 કિમી) છે. વડોદરા એરપોર્ટ 54 કિમી અને અમદાવાદ એરપોર્ટ અહીંથી 70 કિમીના અંતરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ

દૂધના ટીપા જેવો આકાર: આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ EXCLUSIVE તસવીરો 4 - image
પ્લેટફોર્મ અને ટ્રેક લેઆઉટનું નજારો


કેટલું કામ પૂર્ણ થયું?

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. સ્ટેશનના ત્રણેય સ્તરો પર સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. છતનું સ્ટ્રક્ચરલ સ્ટીલ અને રૂફ શીટિંગનું કામ પણ સંપન્ન થયું છે. સ્ટેશન પર લિફ્ટ અને એસ્કેલેટરો સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. હાલમાં ક્લેડિંગ અને સીડીઓના ફિનિશિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ટૂંક સમયમાં જ આ સ્ટેશન તૈયાર થઈ જશે, જેના કારણે આણંદ, નડિયાદ અને આસપાસના જિલ્લાના લાખો મુસાફરોને સુપરફાસ્ટ મુસાફરીનો લાભ મળશે.