Get The App

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા

જામીન પર મુક્ત થયા બાદ પણ ગુનાઓ આચરતા હતા

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે  જામીન રદ કર્યા 1 - image

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી હત્યા,હત્યાનો પ્રયાસ,અપહરણ તેમજ ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી બિચ્છુ ગેંગ સામે વર્ષ ૨૦૨૧માં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસ ધરપકડ કર્યા બાદ જામીન પર મુક્ત થયેલા ત્રણ  આરોપીઓએ ગુનાઓ આચરવાનું શરૃ રાખતા પોલીસે તેના જામીન રદ કરવા માટે દાદ માંગતા ે હાઇકોર્ટે તમામ ત્રણ આરોપીના જામીન રદ કર્યા હતા. આરોપીના જામીન રદ થતા પોલીસે  અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ ધરપકડ બાદ જામીન પર મુક્ત થયેલા ચાર આરોપીઓએ ગુનાઓ આચર્યા હોવાનું ધ્યાન ર આવ્યું હતું. જેમાં મોહમદ હુસેન ઉર્ફે મુન્ના તરબુચે પાણીગેટ વિસ્તારમાં હથિયાર બતાવી પૈસાની માંગણી કરી હતી, જ્યારે તનવીર ઉર્ફે તન્નુ મલેક હરણી વિસ્તારમાં ડ્રગ્ઝ વેચતા ઝડપાયો હતો તો તૌસીફ ઉર્ફે ભુરીયા વિરુદ્ધ પણ મારામારીનો ગુનો નોંધાયો હતો.

આમ, આ ત્રણે આરોપીઓએ જામીન મુક્તિ દરમિયાન સમાન કે અન્ય કોઈ ગુનામાં સામેલ ન થવાની કોર્ટની શરતોનો ભંગ કર્યો હતો એટલે  મદદનીશ પોલીસ કમિશનરે સરકારી વકીલ મારફતે જામીન રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રજૂઆતોને ગ્રાહ્ય રાખી ગુજરાત હાઇકોર્ટે  ત્રણે આરોપીઓ- મોહમદ હુસેન, તનવીર અને તૌસીફના જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બિચ્છુ ગેંગના વધુ એક સાગરીત અસ્પાક ઉર્ફે બાબા શેખે પણ ગુનો આચરતા તેના જામીન રદ કરવા માટે દાદ માંગવામાં આવતા વડોદરાની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે તાજતરમાં તેના જામીન પણ રદ કર્યા હતા.

જામીન રદ કરવા માટેની અરજી પર સુનાવણી થઇ ત્યારે પોલીસ દ્વારા પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી કેઆરોપીઓ સમાજ માટે ખતરો બની રહ્યાં છે અને જામીન પર હોવા છતાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી રહ્યા છે.હાઇકોર્ટ અને સ્પેશ્યલ કોર્ટે તમામ ચાર આરોપીના જામીન રદ કરતા પોલીસે હવે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.