Gujarat

કોટણા ગામે લાઇન રિપેર કરવા જતા હેલ્પરની બાઇકને વાહને ટક્કર મારતા મોત

By GS TEAM
5 Mar 20262 mins read
કોટણા ગામે લાઇન રિપેર કરવા જતા હેલ્પરની બાઇકને વાહને ટક્કર મારતા મોત

 વડોદરા,કોટણા ગામે લાઇનમાં ફોલ્ટ રિપેર કરવા નીકળેલા વીજ કંપનીના લાઇન હેલ્પરને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. શહેરમાં અકસ્માતના ત્રણ અલગ - અલગ બનાવમાં ત્રણના મોત થયા છે.

અનગઢ ગામ વાડીયા વગોમાં રહેતા સંજયકુમાર દેવીસિંહ ગોહિલ ( ઉં.વ.૩૫) એમ.જી.વી.સી.એલ.માં ૯ વર્ષથી લાઇન હેલ્પર તરીકે નોકરી કરે છે અને હાલમાં તેની નોકરી કોટણા ગામ ખાતે હતી. ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે તે ઘરેથી કોટણા ગામ લાઇનમાં ફોલ્ટ  હોઇ બાઇક લઇને નીકળ્યો હતો. તે દરમિયાન અનગઢ નવાપુરા લાઇનની ઉપર બ્રિજ પર અજાણ્યો વાહન ચાલક તેને ટક્કર મારીને ભાગી ગયો હતો. સંજયકુમારને માથા, છાતી અને  પેટ પર ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. નંદેસરી  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગાંધીધામ કચ્છ ખાતે રહેતો શ્રમજીવી સરવિંદકુમાર રામચંદર ગૌતમ (ઉં.વ.૩૨) મૂળ યુ.પી.નો વતની હતો. તે ટ્રકમાં વડોદરા આવ્યો હતો અને વડોદરાથી અન્ય એક ટ્રકમાં પરત કચ્છ જવાનો હતો. ગઇકાલે રાત્રે તે હાઇવે  પર તરસાલી  ચોકડીથી જાંબુવા બ્રિજ તરફ જતા ગોપાલક્રિષ્ણા હોટલની પાસે રોડની બાજુમાં સૂતો હતો. તે દરમિયાન એક ટ્રક ચાલકે તેના પર ટ્રક ચઢાવી દેતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવની વિગત એવી છે કે, ડભોઇરોડ શાંતિનગર જકાતનાકા  પાસે રહેતા મનોજભાઇ સંતરામભાઇ યાદવ ( ઉં.વ.૪૨) આજે બપોરે સવા ચાર વાગ્યે બાઇક લઇને ડભોઇ રોડ સોમા તળાવ ગણેશનગર પાસેથી બાઇક લઇને જતા હતા. તે દરમિયાન થાંભલામાં બાઇક સાથે ઘુસી જતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. જે અંગે પાણીગેટ  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.