હાઇવે ઓથોરિટીના અધિકારી હાજર ન રહેતા સુનાવણી મોકૂફ ઃ ખેડૂતોમાં આક્રોશ

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કલોલમાં
જમીન સંપાદનનો ચાલતો ગજગ્રાહ ઃ બે વાર જાહેરનામા લેપ્સ થયા બાદ ત્રીજી વખતની કાર્યવાહીમાં પણ વહીવટી અવરોધ
કલોલ પ્રાંત અધિકારી સમક્ષ આજે માણસા અને કલોલ તાલુકાના ૮
ગામોના ખેડૂતોની રજૂઆતો સાંભળવા માટે સુનાવણી રાખવામાં આવી હતી. શોભાસણ ગામ સહિતના
અસરગ્રસ્ત ખેડૂતો પોતાના પાયાના સવાલો અને વાંધાઓ સાથે હાજર થયા હતા. જોકે, ટેકનિકલ અને
પ્રોજેક્ટ સંબંધિત સવાલોના જવાબ આપવા માટે જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ
ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર હાજર ન રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોનો
આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરવા માંગે છે, પરંતુ તેમના
પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગંભીર નથી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ કલોલ પ્રાંત
અધિકારીએ તમામ ૮ ગામોની સુનાવણી કેન્સલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે
પછીની તારીખ પ્રોજેક્ટ ડાયરેક્ટરની હાજરીની ખાતરી બાદ જ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં અગાઉ બે વખત બહાર પાડવામાં આવેલા જાહેરનામા તેની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પ્રક્રિયા પૂરી ન થતા લેપ્સ થઈ ગયા છે. હવે ત્રીજી વખત નવું જાહેરનામું બહાર પાડી ખેડૂતો પાસેથી વાંધા મંગાવવામાં આવ્યા છે. અગાઉ આ પ્રોજેક્ટના વિરોધમાં હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિઓને બંધક બનાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે, જે ખેડૂતોનો આક્રોશ દર્શાવે છે.








