Gujarat

ગુજરાતમાં નકલી અને ગેરકાયદે દવાઓ મામલે FDCAની સમીક્ષા બેઠક, ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા આરોગ્ય મંત્રીની સૂચના

By GS Team
2 Sep 20264 mins read
TukuTouch Logo
ગુજરાતમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. FDCAએ 50 દવા પેઢીઓના પરવાના રદ કર્યા, 2 ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપ્યા, અને 1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. રાજ્યભરમાં 2,238 ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરી, 93.47 લાખનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં નકલી અને ગેરકાયદે દવાઓ મામલે FDCAની સમીક્ષા બેઠક, ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા આરોગ્ય મંત્રીની સૂચના

Gujarat FDCA Fake Medicine Crackdown: ગુજરાતમાં હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરની બોગસ દવાઓ બજારમાં ઘુસાડવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન(FDCA)ની સંયુક્ત ટીમે થોડા દિવસ પહેલાં પર્દાફાશ કર્યો હતો. નકલી અને ગેરકાયદે દવાઓ મામલે ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ‘ખોરાક અને ઔષધ નિયમન તંત્ર’ દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરાયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્ત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

નકલી અને ગેરકાયદેસર દવાઓ સામે રાજ્યમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, FDCA દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના પરિણામે ગંભીર ક્ષતિઓ જણાયેલી 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિસ્ક બેઝ્ડ ઈન્સ્પેક્શન હેઠળ 2 દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, 8 ઉત્પાદક પેઢીઓના પરવાના સ્થગિત તથા 11 દવાઓના બનાવટના પરવાના રદ કરવામાં આવ્યા છે. લેબોરેટરીની તપાસમાં અપ્રમાણસર જાહેર થયેલી 20 દવાઓના ઉત્પાદકો સામે કારણદર્શક નોટિસ પાઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં તપાસ કરવામાં આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટર્સ પૈકી 3ને ક્લોઝર ઓર્ડર તથા 12ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં કુલ 588 દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.

FDCAનું સઘન

નશાકારક અને બનાવટી દવાઓના નેટવર્ક સામે કડક કાર્યવાહી મામલે તેમણે જણાવ્યું કે, નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદે નેટવર્ક સામે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતેની પેઢીઓમાં FDCA દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત એસ.ઓ.જી. સાથેની સંયુક્ત તપાસમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવામાં આવતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી તરફ, બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના કેસમાં સપ્લાય ચેઈન સુધી તપાસ શરુ છે. J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રૂ.1.75 લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઈનનો પર્દાફાશ થયો છે. સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ત્રાગડમાં ગેરકાયદે કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત

અમદાવાદના ત્રાગડ ખાતે લાયસન્સ વિના સંચાલિત ‘આનકી હર્બલ’માંથી રૂ.2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદે કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ કપડવંજ–ધોળીકૂઇ ખાતે બાવીશી દવાખાનામાંથી ‘નાના બાળકો માટે રતવાની દવા’નું ગેરકાયદે ઉત્પાદન ઝડપાયું હતું, જ્યાંથી રૂ. 66,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા સઘન ઝુંબેશ હેઠળ કુલ 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસણી કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યચીજોના 2,591 જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા. આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએ પાડવામાં આવેલ દરોડામાં તેલ, મરચા પાઉડર અને દૂધ સહિતની શંકાસ્પદ ખાદ્યચીજનો કુલ 42,988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.93,47,134 જેટલી થાય છે. રાજ્યના વિવિધ સ્થળોએ હાથ ધરેલી કાર્યવાહી અંતર્ગત પાટણમાં 14,709 કિલોગ્રામ તેલ અને 6,495 કિલોગ્રામ ખાદ્ય તેલ, કામરેજ -સુરતમાં 5,157 કિલોગ્રામ ઘી, જામનગરમાં 7,138 કિલોગ્રામ દૂધ તેમજ ડીસા- બનાસકાંઠામાં 6,071 કિલોગ્રામ મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: એન્ટીબાયોટિક્સ દવાઓનો ડૉઝ અધૂરો છોડી દેનારા દર્દીઓની દયાજનક સ્થિતિ, દર્દી ન ઘરનો ન ઘાટનો

રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા તથા ગુણવત્તા સુનિશ્ચિત કરવા 1,625થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું. જેમાં ક્ષતિઓ જણાતા 306 એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગંભીર બેદરકારી બદલ 38 એકમો સામે લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી કરાઈ હતી. નિરીક્ષણની કામગીરીમાં સુરત મનપા, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણામાં સઘન કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત, ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ અને ઉપયોગ સામે 3,078 પેઢીઓની તપાસ કરી 145 શંકાસ્પદ નમૂના લેવાયા હતા અને રૂ.7,54,386ની કિંમતનો 2,553.10 કિલોગ્રામ બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. આમ, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તહેવારોમાં દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદી વપરાશની વસ્તુઓ પર સતત વોચ રાખવા તંત્રને આદેશ આપ્યા છે.