એન્ટીબાયોટિક્સ દવાઓનો ડૉઝ અધૂરો છોડી દેનારા દર્દીઓની દયાજનક સ્થિતિ, દર્દી ન ઘરનો ન ઘાટનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Danger Of Incomplete Antibiotic Course: તમે ડૉક્ટર પાસે જઈને તાવ કે ઈન્ફેક્શનની દવા લીધાના બે દિવસમાં સારું થઈ ગયું એટલે કોર્સ અધૂરો છોડી દીધો? જો હા, તો તમે પોતાના જ હાથે પોતાના મોતના પરવાના પર સહી કરી રહ્યા છો! ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલો દવાનો ડૉઝ અધૂરો છોડી દેવાની આ ઘાતક આદત શરીરમાં રહેલા રોગના બેક્ટેરિયાને દવા સામે લડવાની રાક્ષસી તાકાત પૂરી પાડે છે. ત્યારબાદ તેના પર દવાની અસર થવાની ધીમે ધીમે બંધ થઈ જાય છે. સમય જતાં દુનિયામાં બનતી કોઈ પણ દવાની અસર તેના પર થતી જ નથી. પરિણામે રોગ ઊથલો મારે ત્યારે તે બેક્ટેરિયાને ખતમ કરવા લગભગ અશક્યવત બની જાય છે.
એન્ટિબાયોટિક્સ દવાઓનો ડૉઝ અધૂરો છોડી દેનાર દર્દીઓની દયાજનક સ્થિતિ
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ કહે છે કે, 'જ્યારે તમે અધૂરો ડૉઝ લો છો, ત્યારે નબળા બેક્ટેરિયા મરી જાય છે પરંતુ અડધા જીવતા રહી ગયેલા શક્તિશાળી બેક્ટેરિયા તે એન્ટિબાયોટિક સામે લડવાનો તાકાત કેળવી લે છે અને દવાના આક્રમણ સામે અજેય બની જાય છે. પરિણામે, ત્યારબાદ તે દર્દીને સામાન્ય ન્યુમોનિયા, યુરિન ઈન્ફેક્શન કે નાની ઈજા થશે ત્યારે દુનિયાની મોંઘામાં મોંઘી દવા પણ તેને બચાવી શકશે નહીં.'
ફોર્થ જનરેશનની દવાઓનો બિનજરૂરી ઓવરડૉઝ!
આજે તબીબી ક્ષેત્રમાં પણ ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલાક જનરલ ફિઝિશિયન્સ પોતાની પ્રેક્ટિસ ઝડપથી વધારવા અને દર્દીને રાતોરાત સાજો કરી દેવાનો ભ્રમ ઊભો કરવા માટે જૂની દવાઓ તે દર્દીના રોગ પર અસર કરતી હોવા છતાં તે દર્દીને સીધી જ ‘ફોર્થ જનરેશન’ (અત્યંત શક્તિશાળી) એન્ટિબાયોટિક્સ આપી દે છે. આ પરિસ્થિતિ માટે મેડિકલ સ્ટોર્સ પરથી પ્રિસ્ક્રિપ્શન વિના ઓવર-ધ-કાઉન્ટર એન્ટિબાયોટિક્સનું બેફામ કરવામાં આવી રહેલા વેચાણ અને તેને કારણે ડૉક્ટર્સને પૂછ્યા વિના જ આડેધડ લેવામાં આવતી એન્ટિબાયોટિક્સની ગોળીઓ આ સાયલન્ટ કિલરને વધુ વેગ આપી રહી છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
દર્દીઓના પેશાબ, લોહી અને પરુના લેબોરેટરી સેમ્પલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, ગુજરાતના રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં એન્ટિ માઇક્રોબિયલ રેજિસ્ટન્સ(AMR)ના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. અગાઉ જે રોગો ચપટીમાં મટી જતા હતા તે રોગ હવે એમ્પિસિલિન, સિપ્રોફ્લોક્સાસીન અને લેવોફ્લોક્સાસીન જેવી સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટિક્સ આપવા છતાં મટતા જ નથી. જો આ જ સ્થિતિ રહી તો ભવિષ્યમાં સામાન્ય ઓપરેશન કે સિઝેરિયન પછી થતા ઈન્ફેક્શનમાં દર્દીઓ સીધા મોતના મોંમાં ધકેલાઈ જશે.
અજેય બની રહેલા બેક્ટેરિયા: આ રોગો લાગુ પડ્યા તો કોઈ દવા કામ નહીં કરે!
E. coli (યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન - UTI):
- ક્યાં રોગમાં અસર: પેશાબનો ગંભીર ચેપ, કિડનીનું ઈન્ફેક્શન અને પેટના રોગો.
- કઈ દવાઓ ફેઈલ: Levofloxacin, Ciprofloxacin, અને Ampicillin. આ બેક્ટેરિયા શરીરમાં એટલા મજબૂત થઈ ગયા છે કે આ દવાઓ લેવા છતાં પેશાબ અને કિડનીનું ઈન્ફેક્શન મટશે જ નહીં અને અંગો ફેલ થવા લાગશે.
S. aureus (લોહી અને પરુનું ઘાતક ઈન્ફેક્શન):
- ક્યાં રોગમાં અસર : ઓપરેશન પછીના ઘામાં પરુ થવું, ત્વચાના ગંભીર રોગો અને લોહીનું ઝેર બનવું એટલે કે સેપ્ટિક થવાની સમસ્યા.
- કઈ દવાઓ ફેઈલ : Penicillin, Amoxicillin, અને Cefazolin. ચામડી પરનો સામાન્ય ઘા કે પરુ આ દવાઓથી નહીં મટે અને છેલ્લે લોહીમાં ઝેર ફેલાઈ જતાં દર્દીનું મોત નિશ્ચિત બનશે.
Klebsiella pneumoniae-ફેફસાંનો રોગ જીવલેણ બની જશે
- ક્યાં રોગમાં અસર : ન્યુમોનિયા, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ અને ફેફસાં ક્ષીણ થઈ જવા.
- કઈ દવાઓ ફેઈલ : Ceftriaxone અને Cefotaxime. અત્યાર સુધી જેને બ્રહ્માસ્ત્ર માનવામાં આવતી હતી તેવી આ શક્તિશાળી એન્ટિબાયોટિક્સ સામે પણ આ બેક્ટેરિયા અડીખમ ઊભા રહે છે, જેથી ન્યુમોનિયા થતાં જ શ્વાસ રુંધાવાથી દર્દી મરી જશે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ‘મલ્ટી-ડ્રગ રેજિસ્ટન્સ’ : લેબોરેટરીના કલ્ચર ટેસ્ટમાં સાબિત થયું છે કે દર્દીઓના શરીરમાં એવા દવા પ્રતિકારક બેક્ટેરિયાઓ ઘર કરી ગયા છે જે એકસાથે 10થી વધુ દવાઓની અસરને ચપટીમાં નાબૂદ કરી દે છે! દવાનો કોર્સ અધૂરો છોડવાથી દર્દીના શરીરમાંના બેક્ટેરિયામાં દવાનો પ્રતિકાર કરવાની શક્તિ એટલી ઝડપથી વધે છે કે ભવિષ્યમાં તે દર્દીને બીમારી આવે ત્યારે તેનો પ્રતિકાર કરવા માટે દવાઓ બચતી જ નથી.




