Gujarat

મહુવામાં બીજા દિવસે પણ અર્ધો ઈંચ વરસાદ

By GS TEAM
2 Oct 20251 min read
મહુવામાં બીજા દિવસે પણ અર્ધો ઈંચ વરસાદ

- આજે ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી

- 5 તાલુકામાં ઝાપટાંથી લઈ પા ઈંચ પાણી વરસ્યું, ભાવનગરમાં છુટાછવાયા છાંટા પડયાં

ભાવનગર : નવરાત્રિના અંતિમ નોરતે પણ જિલ્લામાં મેઘરાજાની હાજરી નોંધાઈ હતી. મહુવામાં સતત બીજા દિવસે અર્ધો ઈંચ પાણી વરસ્યું હતું. પાંચ તાલુકામાં ઝાપટાંથી લઈ પા ઈંચ જેટલો વરસાદ થયો હતો.

મહુવામાં વહેલી સવારે ઝાપટું વરસ્યા બાદ બપોરના સમયે ધોધમાર વરસાદ થયો હતો. સાંજના સમયે પણ ધીમીધારે વરસાદ થતાં રાત્રિના આઠ વાગ્યા સુધીમાં અર્ધો ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઘોઘામાં વહેલી સવારે ૦૪ મિ.મી., સિહોરમાં બપોરે ૦૭ મિ.મી., ગારિયાધારમાં બપોરે ૦૨ મિ.મી., તળાજામાં સાંજે ૦૬ મિ.મી. અને પાલિતાણામાં સવારથી બપોર સુધીમાં ૦૮ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા છાંટા વરસ્યા હતા. હજુ આવતીકાલે પણ જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બોટાદ જિલ્લામાં ગઢડા અને બોટાદમાં મેઘવિરામ રહ્યો હતો. જ્યારે રાણપુરમાં ૦૨ અને બરવાળામાં ૦૩ મિ.મી. વરસાદ થયો હતો.

શેત્રુંજી ડેમમાં 900 ક્યુસેક પાણીની આવક-જાવક યથાવત

પાલિતાણાના શેત્રુંજી ડેમમાં આજે બુધવારે પણ ૯૦૦ ક્યુસેક પાણીની આવક-જાવક યથાવત રહેતા પાંચ દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. માલણમાં ૯૬, પીંગળીમાં ૫૩, બગડમાં ૨૦૦, કાળુભારમાં ૧૦૦, ખાંભડામાં ૧૫૦ અને લીંબાડી ડેમમાં ૪૭૦ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું હતું.