આજે કેરલ-તમિલનાડુથી દેશમાં ચોમાસું પ્રવેશે તે પૂર્વે પશ્ચિમી વિક્ષોભથી થોડી વાર માટે ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો : માર્ગો પર પાણી વહેતા થયાં:આજે, કાલે વરસાદનું એલર્ટ, બાદ ફરી ગરમીમાં વધારો
રાજકોટ, : ભારતમાં આવતીકાલ તા. 4 જૂને કેરલ,તમિલનાડુ સાથે દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની આજે આગાહી થઈ છે, ગત વર્ષ કરતા 10 દિવસ મોડુ ચોમાસુ છે તે પૂર્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આજે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે મેઘરાજા તીવ્ર પવન સાથે વરસી પડયા હતા. અમરેલી,જામનગર અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા વરસાદના અહેવાલો છે તો સુરેન્દ્રનગરના સાયલા અને મહીસાગરના કડાણામાં ધોધમાર 1 ઈંચ તથા બનાસકાંઠા, સંતરામ પુર વિસ્તારમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું ગત વર્ષ કરતા વહેલું વાવેતર શરૂ થઈ ગયું છે ત્યારે આજે રાત્રિ સુધીમાં (1) અમરેલીના બાબરા, વડિયા, બગસરા પંથકમાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો, ખડખંભાળિયા, લાપાળિયા,અમરાપુર, ધુધરાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અહેવાલો છે. વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા હતા અને લોકોએ અસહ્ય બફારાથી રાહત અનુભવી હતી. (2) કુંકાવાવ પંથકમાં અચાનક હવામાન પલટા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેના પગલે ખેડૂતો ચોમાસુ હવે ઢૂકડું હોય ખેતીની તૈયારીમાં ગતિશીલતા આવી હતી. (3) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હવામાનમાં પલટા સાથે નિકાવા ગામે વરસાદી ઝાપટાં વરસ્યા માર્ગો પર પાણી રેલાયા હતા. (4) રાજકોટ નજીક કોટડાસાંગાણી તા.ના દેવળીયામાં તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો. (5) બોટાદના ગઢડા તા.માં 5 મિ.મિ.વરસાદ નોંધાયો છે. (6) રાજકોટ સહિત અનેક સ્થળે આકાશમાં મેઘવાદળો સાથે હવામાન પલટો આવ્યો હતો.
મોસમ વિભાગ અનુસાર આવતીકાલ અને તા. 5 જૂને છૂટાછવાયા સ્થળે વરસાદની ચેતવણી છે અને ત્યારબાદ એકંદરે સુકા હવામાન સાથે 2થી 3 સે. તાપમાન વધી શકે છે. જો કે રાજકોટમાં આજે જ તાપમાનનો પારો ઉંચકાઈને 42.9 સે.એ પહોંચ્યો હતો જ્યારે અમરેલી 41.7 તાપમાન નોંધાયું હતુ.


