વડોદરા,સમા અને નિઝામપુરા વિસ્તારના ચાર મકાનોમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૭૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ન્યુ સમારોડની નંદનવન સોસાયટીમાં રહેતા અને નંદેસરીની કંપનીમાં ફરજ બજાવતા નરેશ દેવાભાઇ પટેલના ઘરમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા ૪ લાખ મળીને કુલ રૃપિયા ૧૮ લાખની ચોરી થઇ હતી. સીસીટીવીમાં બે ચોર દેખાયા હતા. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ડીસીબી પોલીસે સીસીટીવી સર્વેલન્સના આધારે તપાસ કરતા બે રીઢા ચોર પ્રહલ્લાદ કિશનલાલ દધેચી તથા તેના સાગરીત કિશન દેવનારાયણ સેન ( બંને રહે. જોધપુર, રાજસ્થાન, હાલ મુંબઇ) હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે વોચ ગોઠવીને બંને આરોપીઓને ફર્ટિલાઇઝર બાયપાસ ખાતેથી ઝડપી પાડયા હતા. તેમની પાસેની થેલીમાંથી પોલીસને રોકડા ૧.૨૬લાખ, દાગીના ભરેલા પર્સ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેણે ચોરીના ચાર ગુનાની કબૂલાત કરી હતી. તેમજ અગાઉ ચોરી કરેલા સોનાના દાગીનાની લગડી બનાવી મુંબઇમાં ગીરવે મૂકી દીધી હતી. પોલીસે ત્રણ લગડી પણ કબજે કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી અડધો કિલો વજનના સોનાના દાગીના કિંમત રૃપિયા ૭૧.૪૭ લાખ, ચાંદીના દાગીના ૧.૩૩ લાખના તેમજ રોકડા ૧.૩૦ લાખ, ઘઢિયાળ અને મોબાઇલ ફોન કબજે કર્યા છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ શરૃ કરી છે.

