Gujarat

સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી

By GS TEAM
14 Dec 20251 min read
સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી

વડોદરાઃ ગુજરાત ઉર્જાવિકાસ નિગમે તમામ સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓને સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓની  વિરુધ્ધમાં પોસ્ટ મૂકવા સામે ચેતવણી આપી છે.

રાજ્યની સરકારી વીજ કંપનીઓની પેરેન્ટ કંપની જીયુવીએનએલ દ્વારા તાજેતરમાં જ આ સંદર્ભમાં એક પરિપત્ર તમામ વીજ કંપનીઓને પાઠવવામાં આવ્યો છે.જેમાં ૨૦૧૬માં સોશ્યલ મીડિયાના ઉપયોગ અંગે જાહેર કરાયેલી ગાઈડ લાઈનના પરિપત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, વીજ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓ અગાઉ અપાયેલી સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા નથી.

લેટેસ્ટ પરિપત્રમાં ચીમકી આપવામાં આવી છે કે, જો કર્મચારીઓ વીજ કંપનીઓ વિરુધ્ધ સોશ્યલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકશે તો તેમની સામે શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે.તમામ વીજ કંપનીઓના એચઆર વિભાગને  આ બાબતે વીજ કંપનીઓની નીચેની કચેરીઓમાં જાણકારી આપવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ કર્મચારી આલમમાં એવો પણ ગણગણાટ છે કે, કર્મચારી સંગઠનોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પણ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.જેથી સંગઠનોના આગેવાનો સોશ્યલ મીડિયા થકી જાણકારી  પૂરી પાડતા ખચકાય.