ગુજરાતી લેક્સિકોન દ્વારા કરાઈ 'વર્ડ ઑફ ધ યર'ની પસંદગી, જાણો તેની પસંદગી પાછળનું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Word Of The Year 2025: ગુજરાતી લેક્સિકોન 45 લાખથી વધુ શબ્દો ધરાવતો વિશાળ શબ્દકોશ છે, જેમાં અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી, હિન્દી-ગુજરાતી, મરાઠી-ગુજરાતી, સંસ્કૃત-ગુજરાતી શબ્દો ઓનલાઇન પોર્ટલ પર જોઈ શકાય છે. આ પોર્ટલ દ્વારા વર્ષ 2018થી દર વર્ષે ડિસેમ્બરમાં આખા વર્ષની સૌથી ચર્ચાસ્પદ ઘટનાઓના મીડિયામાં પ્રચલિત થયેલા શબ્દો તેમજ જે શબ્દોએ લોકમાનસ પર પ્રબળ પ્રભાવ પાડ્યો હોય તે ધ્યાનમાં રાખીને એકત્રિત કરેલા શબ્દોમાંથી ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી નિષ્ણાત નિર્ણાયકો દ્વારા પાર પાડવામાં આવે છે.
દુનિયાભરમાં રહી ટેરિફ શબ્દની ચર્ચા
આ સંદર્ભમાં જોઈએ તો જાન્યુઆરી 2025માં અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ અવારનવાર ટેરિફ અંગે જાહેરાતો કરતા હતા. આ કારણસર વિશ્વભરના આર્થિક રાજકારણમાં ચઢાવ-ઉતાર પણ આવ્યા. આ સંદર્ભમાં આખું વર્ષ ‘ટૅરિફ’ શબ્દ ખૂબ જ સાંભળવા મળ્યો. ટૅરિફ શબ્દ એ માત્ર ભારત કે અમેરિકા જ નહીં પણ વિશ્વના ઘણાં દેશોને રાજકીય અને આર્થિક રીતે અસર કરી ગયો છે. છેલ્લા ઘણાં વખતથી ‘ટૅરિફ’ સંદર્ભમાં અમેરિકન પ્રમુખે ઘણાં ફેરફારો કર્યા છે, જેણે વિશ્વના અનેક દેશોની આયાત-નિકાસ અને તેના કારણે અર્થતંત્રો પર પણ અસર થઈ.
સીઝફાયર અને મોકડ્રીલ શબ્દનો પણ વ્યાપક ઉપયોગ
બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરે ભારત સુરક્ષા ક્ષેત્રે પોતાની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. આતંકવાદને સચોટ જવાબ આપવા માટે શરુ કરાયેલું ઓપરેશન ‘સિંદુર’ આજે સર્વત્ર ભારતીય સૈન્યના સાહસનો વિશ્વને અહેસાસ કરાવે છે. આ દરમિયાન 'સીઝફાયર' અને 'મોકડ્રીલ' શબ્દનો પણ વારંવાર ઉપયોગ થયો. પાકિસ્તાન અને ચીન સાથેના ઘર્ષણના સમાચારોમાં પણ ‘સીઝફાયર’ અને ‘મોકડ્રીલ’ શબ્દનો વ્યાપક સ્તરે ઉપયોગ થયો.
ગ્લોબલ સાઉથ શબ્દની પણ બોલબાલા
વૈશ્વિક પરિબળો, યુદ્ધ, સ્વદેશી અભિયાન, ટૅક્નોલૉજીનો વ્યાપ જેવા વિવિધ પરિબળોને કારણે ‘ગ્લોબલ સાઉથ’ દેશોને વેપારની નવી તકો સાંપડી છે. આ દેશો વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે અને વૈશ્વિક ફલક ઉપર પોતાનું સ્થાન વધુ મજબૂત કરી રહ્યા છે. ભારત પણ ગ્લોબલ સાઉથનો એક ભાગ છે. ગ્લોબલ સાઉથ શબ્દ પણ આજે વારંવાર પ્રયોજાય છે. ગ્લોબલ સાઉથમાં આફ્રિકા, એશિયા, ખાડી દેશો, લેટિન અમેરિકન દેશો તેમજ ઓશનિયાના ફિજી, પપુઆ ન્યૂ ગીની જેવા દેશો પણ સામેલ છે.
પ્લેન ક્રેશની ઘટનાને પગલે ‘મે ડે...’
આ બધી ઘટનાઓની વચ્ચે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ ઘણાં બધા વિમાનોમાં વારંવાર ટેક્નિકલ ખામી સર્જાયાની ફરિયાદો અને પાયલોટ દ્વારા ‘મે ડે’ જાહેર કરવાની ઘટનાના સમાચારો મોટા પાયે જોવા મળ્યા.
આમ વિવિધ ઘટનાઓ માટે વારંવાર પ્રયોજાયેલા શબ્દો અને તેની લોકસમૂહ પર પડેલા પ્રભાવને લક્ષમાં લઈએ તો વર્ષ 2025 માટે ગુજરાતીલેક્સિકોન દ્વારા ‘ટૅરિફ’ શબ્દને ‘વર્ડ ઑફ ધ યર 2025’ તરીકે જાહેર કરાયો છે. આ અંગે વધુ વિગત https://www.gujaratilexicon.com/word-of-the-year/ જોઈ શકાશે.








