શિયાળાની દસ્તક: નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Winter Begins in Gujarat: માવઠાની અસર ઉતર્યા બાદ આખરે ગુજરાતના દ્વારે શિયાળાએ ટકોરા મારવાનું શરુ કરી દીધું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો અનુભવાશે. ગુરુવાર રાત્રિએ નલિયામાં 15.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું.
અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. ગત રાત્રિએ શહેરમાં 21.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઓછું હતું. એ જ રીતે, નલિયાનું તાપમાન પણ સામાન્ય કરતાં 2.5 ડિગ્રી ઓછું રહ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા
કચ્છમાં બેવડી ઋતુ: ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી
કચ્છ જિલ્લામાં હાલ વાતાવરણીય વિષમતાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. કારતક મહિનાના બીજા પખવાડિયાની શરુઆતે જ તાપમાનમાં દોઢથી સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીની શરુઆત થઈ છે. નલિયામાં સાડા ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે પારો 15.5 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થતાં તે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. તો બીજી તરફ ભુજમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું.
ભુજમાં લઘુતમ તાપમાન 19.9 ડિગ્રી, કંડલા પોર્ટ પર 21 ડિગ્રી અને કંડલા ઍરપોર્ટ પર 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં વહેલી સવારે અને રાત્રે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અનુભવ થવા લાગ્યો છે.
રાજ્યના અન્ય શહેરોમાં ગુરુવારે નોધાયેલું લઘુતમ તાપમાન
અમરેલી: 18.4 ડિગ્રી
ડીસા: 18.8 ડિગ્રી
ભુજ: 19.0 ડિગ્રી
રાજકોટ: 20.0 ડિગ્રી
ગાંધીનગર: 20.2 ડિગ્રી
વડોદરા: 20.4 ડિગ્રી
સુરત: 20.8 ડિગ્રી
ભાવનગર: 21.0 ડિગ્રી









