Get The App

ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ 1 - image
પંચમહાલના ગોધરાનો વીડિયો 


Gujarat Weather Updates: અમદાવાદના હવામાનમાં આજે સોમવારની રાત્રે અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં સિંધુભવન રોડ, વસ્ત્રાપુર અને સેટેલાઈટ, મકરબા જેવા પશ્ચિમના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. આ દરમિયાન સરખેજ, મકરબા અને ઘાટલોડિયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન અમદાવાદીઓને આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે મોટી રાહત મળી છે. જોકે, અચાનક શરૂ થયેલા તીવ્ર પવનને લીધે વાહનચાલકોને થોડી ક્ષણો માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.

પંચમહાલમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ

પંચમહાલ જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વાવાઝોડા સાથે તોફાની વરસાદની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં ફૂંકાયેલા અતિ ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના લીધે વાહનચાલકોને મુસાફરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તેજ ગતિના પવન અને કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજપોલ અને લાઈનોને નુકસાન થતાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. અચાનક ત્રાટકેલા આ મિની વાવાઝોડા અને વરસાદના લીધે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

દાહોદમાં રાહદારી પર હોર્ડિંગ પડતાં મોત

ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ ક્યાંક રાહત તો ક્યાંક મોટી આફત નોતરી છે. દાહોદના ગરબાડા ચાર રસ્તા નજીક સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઊભું કરાયેલું એક વિરાટ લોખંડી હોર્ડિંગ ભારે પવનના કારણે માર્ગ પર વચોવચ પટકાયું હતું, જેમાં ચગદાઈ જવાથી એક રાહદારીએ સ્થળ પર જ દમ તોડ્યો હતો અને અન્ય બે લોકો લોહીલુહાણ થતાં હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ મહીસાગરના કડાણા પંથકમાં પણ પવનનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેમાં માલવણથી ધરોડા તરફ જતા રોડ પર એક બાઈક પર તોતિંગ ઝાડ પડતાં બે મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે મહિસાગરના બાલાસિનોરમાં પણ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો.

ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે પવન સાથે વરસાદ 2 - image
ગાંધીનગર

ક્યાંક ઠંડક તો ક્યાંક વીજળી ગુલ થતાં અંધારપટ

સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકોને રાતના સમયે વરસેલા વરસાદે મોટી સાતા આપી છે. હિંમતનગર પંથક અને ગાંધીનગરના માણસા તાલુકાના કાનપુર તેમજ વાસણા ચૌધરી સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. જેથી ગરમીમાંથી લોકોને હાશકારાનો અનુભવ થયો છે. જો કે, આ મિનિ વાવાઝોડાએ હિંમતનગર શહેરમાં ભારે તારાજી સર્જી છે, જ્યાં ઠેર-ઠેર વીજ લાઈનો પર ઝાડ તૂટી પડવાના કારણે પાવર સપ્લાય ઘણી જગ્યાએ ખોરવાઈ ગયો છે અને સ્થાનિકોને અંધારામાં રહેવાની નોબત આવી છે.

હવામાન વિભાગની આગાહી પર કરો નજર..