Get The App

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
Unseasonal Rain

Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને 18 અને 19 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની શક્યતા છે. જેમાં 18 માર્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે 19 માર્ચે આ સિસ્ટમ વધુ મજબૂત બનતા સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, અત્યારે મુખ્યત્ત્વે બે સિસ્ટમ સક્રિય છે. જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફના કારણે આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે. 

18 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છના છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. 19 માર્ચે તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિત કચ્છમાં માવઠું પડી શકે છે. આ દિવસોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે 'યલો વોર્નિંગ' જાહેર કરી છે.

ત્રણ દિવસ કેવું રહેશે તાપમાન?

આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ત્યારબાદ ફરી 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્ત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ શકે છે, જ્યારે હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધારે છે.

આ પણ વાંચો: અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે 'કૂલ જેકેટ', જાણો ફેનવાળા જેકેટની વિશેષતા

માવઠાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા

રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો 20 માર્ચ સુધી ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તેની અસર વધુ જોવા મળી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખુલ્લામાં રાખેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને પવન સાથેના વરસાદ દરમિયાન સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે.