ખેડૂતો માટે આગોતરી ચેતવણી! 29 અને 30 માર્ચે ગુજરાતમાં ફરી કમોસમી કમઠાણ, યલો ઍલર્ટ જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| ફાઈલ તસવીર |
Gujarat Weather Update: કુદરતે શું ધારી છે! ભર ઉનાળે ફરી માવઠાની આગાહી! અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ધમધોખતા તાપમાં માવઠાની આગાહી કરી છે. આગામી 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગત 19 અને 20 માર્ચે આંધી વંટોળ સાથે વરસાદે ઘણા તાલુકાઓમાં કહેર વરસાવ્યો હતો, જેમાં ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું હતું.
30થી 40 કિમી પ્રતિ કલાક
હવામાન ખાતાની આગાહી મુજબ ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ બે દિવસ માટે 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
હાલમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુજરાતના વાતાવરણ પર અસર કરશે. આ સિસ્ટમના કારણે જ માર્ચના અંતમાં કમોસમી વરસાદી માહોલ સર્જાશે. જો કે, રાહતની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની રહેશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હલચલ જોવા મળશે.
દરિયામાં સર્જાનારી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે, આગાહી દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગરમીની વાત કરીએ તો, હાલમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 30 ડિગ્રી, અમદાવાદમાં 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. બીજી તરફ, કંડલામાં લઘુતમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાતા રાત્રિના સમયે સામાન્ય ઠંડક અનુભવાઈ રહી છે.








