Get The App

ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી 1 - image

Gujarat Weather Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમી અંગે નવી આગાહી કરવામાં આવી છે. પૂર્વાનુમાન અનુસાર, હાલ પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 22થી 28 એપ્રિલ, 2026 સુધી રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. 

ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે: IMDની આગાહી

હાલમાં પણ રાજ્યમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેમાં અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને આકરી ગરમીની સાથે અસહ્ય બફારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા

આગામી દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી, પરંતુ તાપમાનમાં વધુ વધારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાન ઊંચકાવવાના કારણે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે.

આ પણ વાંચો: અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્યો રોંગ સાઈડનો રસ્તો

ચૂંટણીના દિવસે 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના

ખાસ કરીને આગામી ચૂંટણી મતદાનના દિવસે ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આગાહી મુજબ, 26 તારીખે ચૂંટણીના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીને પાર પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં મતદાનના દિવસે મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રીની આસપાસ રહેશે, જેથી મતદાતાઓએ મતદાન કરવા જતી વખતે ગરમીથી બચવા માટે ખાસ સાવચેતી રાખવી પડશે.

ગરમીથી બચવા આટલી સાવચેતી રાખવી 

• બપોરે 12 વાગ્યાથી 4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.

• કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું.  

• હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, જે શરીરને ઠંડક આપે.

• વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી અને તેમને ગરમીમાં સુરક્ષિત રાખવા.

• પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાનું સેવન કરવું.

• જો ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો 'જય શ્રી રામ' બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા 'ભાગ્યા..ભાગ્યા..'ના નારા

સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની તૈયારી

માર્ગદર્શિકાનું પાલન: નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા નિર્ધારિત "ગરમી અને આરોગ્ય" અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે.

સર્વેલન્સ અને તાલીમ: 1 માર્ચ, 2026થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે.

હીટ-હેલ્થ એક્શન પ્લાન: હવામાન વિભાગ(IMD)ની દૈનિક ચેતવણીઓને અનુસરીને તમામ જિલ્લાઓમાં 'હીટ-હેલ્થ એક્શન પ્લાન' કાર્યરત કરવામાં આવ્યો છે.

હૉસ્પિટલ સજ્જતા: તમામ સરકારી હૉસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઇડ્સ, ORS અને આઇસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

સમર્પિત હીટ સ્ટ્રોક રૂમ: દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં પાંચ અને દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ'ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

અગ્નિ અને વીજળી સુરક્ષા: ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા હૉસ્પિટલોમાં ઈલેક્ટ્રિક લોડ ઓડિટ કરવા, અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને વીજળીની અવિરત સપ્લાય જાળવવા નિર્દેશ અપાયા છે.