ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon: ગુજરાતના લોકોએ આ વર્ષે ગરમીથી રાહત મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં આ વખતે નૈઋત્યના ચોમાસાનું આગમન 20મી જૂન બાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસું મોડું બેસશે.
છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે ચોમાસું
ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે તેમાં વિલંબ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2024માં 11મી જૂનના રોજ ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો. વર્ષ 2025માં 16મી જૂનના રોજ મેઘરાજાની પધરામણી થઈ હતી. જ્યારે વર્ષ 2026માં 20 જૂન પછી જ ચોમાસું સક્રિય થાય તેવા અણસાર છે. જો કે, રાહતની વાત એ છે કે જૂનના પ્રથમ સપ્તાહથી જ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી (ચોમાસા પહેલાની ગતિવિધિઓ) શરૂ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ
ચોમાસાના વિલંબ વચ્ચે હાલ સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. આ દરમિયાન શનિવારે (16મી મે) અમદાવાદમાં 42 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 42.7, અમરેલીમાં 42.3, ગાંધીનગરમાં 41.5, વડોદરામાં 41, ભુજમાં 40.7, ડીસામાં 40.2, સુરતમાં 39.8, ભાવનગરમાં 39.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 2 દિવસ બાદ તાપમાન 3 ડિગ્રી ઘટતાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.








