ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Schools Reopen After Summer Break: રાજ્યમાં લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજ(આઠમી જૂન)થી અમદાવાદ સહિત રાજ્યની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા 35 દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતાં ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે 54000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે.
તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે શાળાએ પહોંચેલા અંદાજે 1.15 કરોડ બાળકોનું વિવિધ શાળાઓમાં પરંપરાગત અને ભારે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરીને અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને ફરી મળવાનો અનોખો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હતો.
હસતા મુખે બાળકોનો શાળામાં પ્રવેશ
સામાન્ય રીતે વેકેશન ખુલતાની સાથે જ શરૂઆતના દિવસોમાં બાળકો રડતાં-રડતાં શાળાએ જતાં જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ રડવાના બદલે હસતા હસતા અને ભારે ઉત્સાહ સાથે શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. નવા સત્રના પહેલા દિવસથી જ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પુસ્તકોના ભાર અને અભ્યાસના નવા લક્ષ્યાંકો સાથે શૈક્ષણિક આલમમાં ફરી એકવાર ગતિશીલતા અને જીવંતતા આવી ગઈ છે.









