દુનિયાનો સૌથી મોટો IPO: આ કંપનીના 2,800 કર્મચારીઓ રાતોરાત બનશે કરોડપતિ, સિનિયર કરતાં જુનિયર્સની કમાણી વધુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anthropic IPO Listing: ટેકનોલોજી જગતમાં ગુરુવારે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રની અગ્રણી કંપની એન્થ્રોપિકનો વિશ્વનો સૌથી મોટો આઈપીઓ બજારમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે, જેની સાથે જ કંપનીના અંદાજે 2800 વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની જશે. આ ઐતિહાસિક લિસ્ટિંગની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કંપનીમાં શરૂઆતના દિવસોમાં જોડાયેલા જુનિયર અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનેની કમાણી પાછળથી ઉચ્ચ હોદ્દા પર આવેલા સિનિયર અધિકારીઓ કરતાં પણ વધી જવાની છે.
પ્રાઇવેટ બજારના વિશ્લેષણ મુજબ, આ આઈપીઓ બાદ કંપનીનું કુલ મૂલ્ય 1.35 થી 1.5 ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચવાનો અંદાજ છે, જેનાથી તે વિશ્વની 12 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં સામેલ થઈ જશે. આ જંગી મૂલ્યાંકનને કારણે અંદાજે 2800 કર્મચારીઓ પાસે ઓછામાં ઓછા 10 લાખ ડોલરની પ્રી-ટેક્સ વેસ્ટેડ ઇક્વિટી જમા થશે. એટલું જ નહીં, 598 નોન-ફાઉન્ડર કર્મચારીઓ એવા પણ છે જેમની પાસે 10 કરોડ ડોલર કે તેથી વધુની સંપત્તિ હોવાનું અનુમાન છે.
જુનિયર સ્ટાફ સિનિયર્સ કરતાં કેવી રીતે આગળ નીકળી ગયો?
આ અણધારી સંપત્તિ પાછળ કંપનીની 'કર્મચારી શેર વિકલ્પ' યોજના જવાબદાર છે. વર્ષ 2021 માં જ્યારે કંપનીની શરૂઆત થઈ હતી, ત્યારે તેનું મૂલ્ય ઘણું ઓછું હોવાથી પ્રારંભિક તબક્કે જોડાયેલા સામાન્ય અને વહીવટી કર્મચારીઓને અત્યંત નજીવા દરે શેર ખરીદવાના વિકલ્પો મળ્યા હતા. 2023 સુધી ફાળવાયેલા આ વિકલ્પોની સરેરાશ કિંમત માત્ર 0.52 ડોલર પ્રતિ શેર હતી.
હવે આઈપીઓ માટે 70 થી 78 ડોલરનો ભાવ નક્કી થયો હોવાથી આ જૂના કર્મચારીઓને મોટો ફાયદો થયો છે. ગણતરી મુજબ, જે જુનિયર કર્મચારી પાસે 0.52 ડોલરના ભાવે 10,000 શેર વિકલ્પો છે, તેને 78 ડોલરના લિસ્ટિંગ ભાવે અંદાજે 7.74 લાખ ડોલરનો જંગી નફો મળી શકે છે. તેની સામે જે સિનિયર અધિકારીઓ આઈપીઓના થોડા સમય પહેલાં ઊંચા પગારે જોડાયા હતા, તેમને શેર વિકલ્પો ઊંચા ભાવે મળ્યા હોવાથી તેમની કમાણી જુનિયર્સ કરતાં ઓછી રહેશે.
વેચાણ પર મર્યાદા અને આખરી વળતર
કંપનીના આંકડા મુજબ, 30 સપ્ટેમ્બર સુધીમાં કર્મચારીઓના શેર વિકલ્પો પર આશરે 119 અબજ ડોલરનો કાગળ પરનો નફો નોંધાયો હતો, જેમાંથી 73 અબજ ડોલરનો હિસ્સો તરત ઉપાડી શકાય તેવો છે. જોકે, બજારમાં શેરનો ભરાવો ન થાય તે માટે પ્રથમ દિવસે નોન-ફાઉન્ડર કર્મચારીઓને તેમના હિસ્સાના માત્ર 10 ટકા શેર જ વેચવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે નાણાકીય વર્ષ 2026 ના પરિણામો જાહેર થયા બાદ વધુ 35 ટકા શેર વેચી શકાશે.




