ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ
Cough Syrup Case: મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં કિડની ફેઇલ થવાને કારણે 16 બાળકોના મોત થવાનો ગંભીર મામલો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ પાછળનું કારણ ગુજરાતમાં બનેલી બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલ(DEG)નું પ્રમાણ મર્યાદા કરતાં અનેકગણું વધારે હોવાનું છે.
ગુજરાત સરકાર એક્શનમાં, કફ સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ
આ રિપોર્ટ બાદ ગુજરાત સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બંને કફ સિરપનો જેટલો પણ જથ્થો ગુજરાતના બજારમાં ઉપલબ્ધ છે, તે તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. બજારમાંથી સંપૂર્ણ રીતે આ કફ સિરપનો જથ્થો પરત ન ખેંચાય ત્યાં સુધી FDCA આખી પ્રક્રિયામાં સતત ધ્યાન આપશે.
વિવાદિત કફ સિરપ અને કંપનીઓ
મધ્ય પ્રદેશના ડ્રગ વિભાગની તપાસમાં જે બે કફ સિરપમાં DEGનું પ્રમાણ વધુ મળ્યું છે તે નીચે મુજબ છે:
- રી-લાઇફ (Re-Life) કફ સિરપ: આ સિરપ M/s Shape Pharma Pvt. Ltd. દ્વારા બનાવવામાં આવી છે.
- રેસ્પિફ્રેસ ટીઆર (Respi fresh TR) કફ સિરપ: આ સિરપ M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd. દ્વારા બનાવવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ડ્રગ્સ વિભાગે આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.
અન્ય સિરપની પણ થશે ચકાસણી
આ ગંભીર ઘટના બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે, આ બે કંપનીઓ ઉપરાંત રાજ્યમાં અન્ય જે કંપનીઓ પણ કફ સિરપનું ઉત્પાદન કરે છે, તેમની પ્રોડક્ટ્સની પણ ગુણવત્તા ચકાસણી કરવામાં આવશે અને તે પ્રમાણિત છે કે નહીં, તેની ખાતરી કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. 3થી 5 ઑક્ટોબર, 2025 દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફેઇલ થતા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયની કડક દેખરેખ
વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના 3 દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના 11 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ 14 નમૂનાઓ વધુ ચકાસણી માટે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ સિવાય રાજ્યના મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની સંપૂર્ણ અને કડક તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલી તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે.
DEG કેમિકલનું જોખમ
છિંદવાડામાં 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન ડ્રગ વિભાગની ટીમે મેડિકલ સ્ટોર્સ અને હૉસ્પિટલોમાંથી કુલ 19 દવાના સેમ્પલ એકઠા કર્યા હતા. ગાઇડલાઇન અનુસાર કફ સિરપમાં ડાયએથિલિન ગ્લાઇકોલનું મહત્તમ પ્રમાણ 0.1 ટકા હોવું જોઈએ, પરંતુ તપાસમાં 4 કફ સિરપ માપદંડમાં ફેઇલ થયા હતા. DEG કેમિકલનું વધુ પ્રમાણ કિડની ફેઇલ થવા અને બ્રેઇન હેમરેજ જેવી જીવલેણ સ્થિતિ પેદા કરી શકે છે.
શું હતી ઘટના?
છિંદવાડાના પરાસિયા વિસ્તારમાં વાયરલ તાવની સારવાર માટે સ્થાનિક ડૉક્ટરની સલાહ મુજબ બાળકોને આ સિરપ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. અનેક બાળકોને છિંદવાડા અને નાગપુરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ 9 બાળકોને બચાવી શકાયા નહોતા.
આ બંને ઘટનાઓ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેના પગલે ગુજરાત સરકાર પણ સાવચેત બની છે અને તપાસના આદેશ આપ્યા છે.
રાજસ્થાનમાં બે બાળકોના મોત
રાજસ્થાનમાં સામાન્ય કફ સિરપથી બે બાળકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં રાજસ્થાનમાં બે બાળકોના મોત થયા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સીકરના એક 5 વર્ષના છોકરાનું સોમવારે કફ સિરપ પીધાના થોડા કલાકો પછી મૃત્યુ થયું. બાળકને શરદી થઈ હતી, અને તેના માતાપિતા તેને ચિરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ ગયા હતા. નીતિશ સવારે ત્રણ વાગ્યે જાગી ગયો અને હેડકી આવતી હોવાથી તેની માતાએ પાણી આપતાં બાળક પાછો સૂઈ ગયો હતો અને ફરી ક્યારેય જાગ્યો જ ન હતો. સોમવારે, બાળકના માતા-પિતા તેને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ સિવાય, 22 સપ્ટેમ્બરે બે વર્ષના સમ્રાટ જાધવ નામના બાળકનું કફ સિરપ પીવાથી મૃત્યુ થયું હતું. સમ્રાટ જાધવની માતાએ જણાવ્યું કે, સમ્રાટ, તેની બહેન સાક્ષી અને પિતરાઈ ભાઈ વિરાટને શરદી થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હતા. જ્યાં કેસન ફાર્મા દ્વારા ઉત્પાદિત કફ સિરપ આપવામાં આવ્યું. જેમાં 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોને કફ સિરપ પીવડાવ્યું હતું. પાંચ કલાક પછી તેમાંથી કોઈ જાગ્યું નહીં. પરિવાર ગભરાઈ ગયો. સાક્ષી અને વિરાટ અચાનક જાગી ગયા અને ઉલટી કરી, પરંતુ સમ્રાટ ના જાગ્યો. ત્યારબાદ પરિવાર તેને હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં 22 સપ્ટેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હતું.