સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી
MP Cough Syrup Death: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે મોતનો સિલસિલો ચાલુ છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં આજે વધુ એક બાળકે કિડની ફેઇલ થતાં દમ તોડ્યો છે. છિંદવાડામાં કફ સિરપના કારણે કિડની ફેઇલ થતાં અત્યારસુધીમાં 15 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ કેસમાં એક ડૉક્ટરને આરોપી બનાવવામાં આવ્યા છે, જેનો IMA (ઇન્ડિયન મેડિકલ ઍસોસિએશન)એ વિરોધ કર્યો છે.
એક ડૉક્ટરને આરોપી બનાવ્યા
પોલીસે આ મામલે પરાસિયાના બાળ રોગ નિષ્ણાત ડૉ. પ્રવીણ સોની વિરુદ્ધ કેસ નોંધી ધરપકડ કરી છે. IMAએ આ ધરપકડનો ભારે વિરોધ કર્યો છે. ઍસોસિએશને તાત્કાલિક ધોરણે ડૉ. સોનીને મુક્ત કરવાની માગ સાથે બુધવારથી ઈમરજન્સી સેવાઓ બંધ કરી અનિશ્ચિતકાળ માટે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
હડતાળ કરવાની ચીમકી
ઍસોસિએશનનું કહેવું છે કે, કફ સિરપના કારણે બાળકોના મોત મામલે એક જ ડૉક્ટરને આરોપી તરીકે રજૂ કરવા યોગ્ય નથી. તે તદ્દન ન્યાયની વિરુદ્ધમાં છે. કોઈપણ પુરાવા કે તથ્યો વિના ડૉક્ટરને આરોપી બનાવી અડધી રાત્રે ધરપકડ કરવી યોગ્ય નથી. દવામાં કોઈપણ ખરાબી હોય તો તેની જવાબદારી દવા બનાવનારી કંપની, કેન્દ્રીય અને રાજ્ય ડ્રગ કંટ્રોલર બોડી તથા ડ્રગ ઇન્સ્પેક્ટરની હોય છે. આ તમામ વિરુદ્ધ કેસ નોંધવાના બદલે એક જ ડૉક્ટરને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 14 માસૂમોના મોત માટે જવાબદાર કોણ? ફેક્ટરીમાં 350 નિયમોનું ઉલ્લંઘન, પ્રોડક્શન પર રોક
વધુમાં IMAએ ચીમકી આપી હતી કે, અમારી વહીવટી તંત્ર સમક્ષ માગ છે કે, અમારા ડૉક્ટરને તાત્કાલિક ધોરણે મુક્ત કરો. નહીં તો અમે મંગળવારે કાળી પટ્ટી બાંધી કામ કરીશું અને 24 કલાક બાદ બુધવારથી ઈમરજન્સી સેવાઓ છોડી તમામ પ્રકારની મેડિકલ સેવાઓ બંધ કરતાં અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર ઉતરીશું.
મધ્યપ્રદેશમાં તપાસ માટે SITની રચના
મધ્યપ્રદેશમાં કફ સિરપના કારણે મોતનો કેસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવ્યો છે. પોલીસે કોલ્ડરિફ કફ સિરપ બનાવતી કંપની વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મૃતક બાળકોના પરિજનોને રૂ. 4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે કોલ્ફરિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કફ સિરપ બનાવતી તમિલનાડુની સ્રેસન ફાર્માસ્યુટિકલ્સના દવાના નમૂના લેવામાં આવ્યા છે, તેમાં ટોક્સિક તત્ત્વ વધુ પ્રમાણમાં મળી આવ્યું હતું. સબ ડિવિઝનલ ઑફિસર ઑફ પોલીસ જિતેન્દ્ર સિંહ જાટના નેતૃત્વ હેઠળ 12 સભ્યોની SIT એ તપાસ હાથ ધરી છે.