કચ્છના મુન્દ્રામાં હચમચાવી દેનાર હિટ એન્ડ રનની ઘટના, ઈકો ચાલકે ટુ-વ્હીલર પર સવાર યુવકને અડફેટે લીધો
Hit And Run in Mundra: કચ્છના મુન્દ્રામાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ કાર ચાલકે ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા મહાવીર સુપર સ્ટોર પાસેથી રાત્રિના સમયે બની હતી. એક યુવક પોતાના ટુ-વ્હીલર પર એક નાના બાળક સાથે યુ-ટર્ન લઈ રહ્યો હતો. તે જ સમયે, પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ટુ-વ્હીલર પર સવાર યુવક અને બાળક દૂર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, કાર ચાલક લોકો ભેગા થતા જોઈને ગભરાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે રિવર્સમાં કાર લઈને ફરાર થવાની કોશિશ કરી, પરંતુ ગતિ અને ગભરામણના કારણે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી, જેના કારણે કારનું ટાયર ફાટી ગયું હતું.
કારનું ટાયર ફાટ્યા બાદ પણ ઈકો ચાલકે ભાગવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સતર્કતા દાખવી તેનો પીછો કર્યો અને તેને પકડી પાડ્યો હતો. આખરે, સ્થાનિકોએ હિટ એન્ડ રન કરનાર કાર ચાલકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર અકસ્માતની હચમચાવી નાખનારી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે.