Get The App

નેતાઓના નાટક કરતાં 'નોટા' સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે!

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Local Body Elections 2026

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મોકળા મને પ્રજાના પ્રતિનિધિને પસંદ કરવાની લોકશાહીનો આ અવસર નેતાઓનું નાટક વિશેષ બની રહ્યો હોય તેવી મૂંઝવણ અનેક મતદારો અનુભવી રહ્યા છે. રાજકીય પક્ષોની નીતિઓ અને તેમના દ્વારા પસંદ કરવામાં આવતા ઉમેદવારોમાં ભલીવાર ન જણાય તો મતદાન થાય પણ અણગમો દર્શાવી શકાય એ માટે ચૂંટણી પંચે વર્ષ 2013થી 'નોટા'નો અમલ શરુ કર્યો. મૂંઝવણ અનુભવતા અને મતદારોને નેતાઓના નાટક કરતાં નોટા સારો લાગે છે. વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અઘધધ... 8.37 લાખ મતદારોએ 'નોટા'નું બટન દબાવ્યું હતું. આ વખતે પણ સોશિયલ મીડિયા ઉપર રમૂજો શરૂ થઈ ચૂકી છે. સત્તાની શતરંજમાં વિકલ્પનો અભાવ છે ત્યારે ભાજપ ફાવશે તેમ મતદારો માને છે.

ચૂંટણી જંગ: 10,000 બેઠકો અને 25,551 ઉમેદવારો

રાજ્યના 15 મહાનગરપાલિકાઓ, 84 પાલિકાઓ ઉપરાંત 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોની 10,000થી વધુ બેઠકો માટે 25,551 ઉમેદવારો વચ્ચે રવિવારે ચૂંટણી જંગ જામશે. માંડ દસ દિવસ સુધી ચાલેલા પ્રચારમાં ભાગ્યે જ સંભાળવા મળ્યા હતા તેવા પ્રચાર ભૂંગળા સત્તાવાર રીતે શાંત થઇ ચૂક્યા છે. નેતા બનવા મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે હવે ઘરે ઘરે પ્રજા સામે હાથ જોડવા માટે થોડા જ કલાકો બચ્યાં છે. મતદાર રાજા મન કળાવા દેતો નથી એટલે જીત થશે કે હાર એ ઉચાટ પણ આગામી મંગળવાર સુધીનો જ છે. એ પછી ઉમેદવારમાંથી નેતાઓ બની જશે તેને તો પાંચ વર્ષ માટે ઘી-કેળાં જ છે.

નેતાઓના નાટકથી કંટાળેલા મતદાર માટે 'નોટા' શ્રેષ્ઠ

ચૂંટણીનો માહોલ જામતો નથી પણ પ્રજાજનોમાં ચર્ચા અનેક છે. પાંચ-પંદર દિવસ પ્રજાને માઈ-બાપ કહેવાના અને એ પછી પાંચ વર્ષ સુધી વાવેલું લણવાના દિવસો આવી જશે એ વિચારીને અનેક સામાન્ય જનતાના મ્હ્જમાં અત્યારથી ઘૂમરાઇ રહ્યા છે. જે લોકો નોકરી, કામ-ધંધા કે બીજે ક્યાંય ન ચાલે તે રાજકારણમાં ચાલે તેવો લોકોક્તિ વધુ દ્રઢ બની છે. એમાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો મુખ્ય રાજકીય પક્ષ ઉપરાંત સિઝનલ નેતાઓ, પક્ષો અને ઉમેદવારો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દરેક વોર્ડમાં નેતાઓ અને તેમના વાયદાઓની એવડી મોટી ભરમાર સર્જાય છે કે, મતદાર બિચારો બનીને મુંઝવણમાં મુકાઈ જાય છે. સ્થિતિ એવી સર્જાય છે કે, મતદારને રાજકારણી કે તેમના વાયદા ઉપર ભરોસો રહેતો નથી. આખરે, નેતાઓના નાટકથી કંટાળેલા મતદારને નોટાનો વિકલ્પ વધુ સારો લાગે છે.

નેતાઓના નાટક કરતાં 'નોટા' સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે! 2 - image

લોકશાહીમાં 'કોઈ પણ પસંદ નથી' કહેવાનો અધિકાર

'નોટા' એટલે.. નન ઓફ અબોવ. મતદાન મશીનમાં ઉમેદવારોની યાદી દર્શાવી છે તેમાંથી કોઈ પસંદ કે લાયક નથી તેવી લાગણી લોકશાહી ઢબે વ્યક્ત કરવા નોટાની અમલવારી વર્ષ 2013થી ચૂંટણી 'પંચે કરી છે. વર્ષ 2021ની ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 8.39 લાખ મત 'નોટા'ના ફાળે ગયા હતા. વિકલ્પના અભાવે મુંઝવણનો માર્યો મતદાર જ્યારે મતદાન મશીન ઉપર બટન દબાવવા જાય ત્યારે 'નોટા'નું બટન પણ દબાવી નાંખે છે તે વલણ વધતું જાય છે. સમસ્યાઓથી ઘેરાયેલાં સામાન્ય નાગરિક એટલે કે મતદારોની વાત સાંભળવાનો સમય નેતાઓ પાસે નથી એટલે પોતાની વાતના ભાષણો પિરસ્યા રાખે છે તેનાથી મુંઝાયેલા મતદારના આખરી આક્રોશ તરીકે 'નોટા' જણાય છે. 

અઢળક વિકલ્પો છતાં વિશ્વાસપાત્ર નેતાઓનો દુકાળ

રાજકારણના અનેક રંગ વચ્ચે ચૂંટણીની ચોપાટ બિછાવી દેવાઈ છે ત્યારે ? મતદાનના દિવસ એટલે કે રવિવાર પૂરતો મતદાર રાજા બની રહેવાનો છે. એ પણ વાસ્તવિકતા છે કે, સત્તા માટેની શતરંજમાં અઢળક વિકલ્પો જોવા મળી રહ્યાં છે પણ મતદારોમાં 'ટોળાંશાહીનું મનોવિજ્ઞાન' કામ કરી જશે. અઢળક વિકલ્પો વચ્ચે પણ વિશ્વાસપાત્રના અભાવ વચ્ચે છેવટે તો ભાજપ જ ફાવી જશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખરા અર્થમાં સ્થાનિક લોકોને ખરેખર સ્વ-રાજનો અહેસાસ થાય તેવા દ્રશ્યોના બદલે રવિવારે મતદાન દરમિયાન સામ, દામ, દંડ અને ભેદના ખેલ ખેલાશે. ભારતીય લોકશાહીના ચૂંટણી જંગમાં છેવટે તો જંગ જીત્યો તે જ રાજા કહેવાય છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ વધુ: રાજકીય ચાલાકી કે આંતરિક સમજૂતી?

વર્ષ 2013 થી ‘નોટા’ની શરૂઆત થઈ છે. ગુજરાતમાં લોકસભા કે વિધાનસભા ચૂંટણી કરતાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘નોટા’નો ઉપયોગ વિશેષ થતો હોવાનું આંકડાઓ ઉપરથી જણાય છે. બે-બે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં આખા ગુજરાતમાંથી ચારથી પાંચ લાખ મત ‘નોટા’માં પડ્યા હતા. પણ, વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘નોટા’ના ફાળે 8.37 લાખ મતો ગયા હતા. રાજકીય નિરીક્ષકોના મતે, સ્થાનિક સ્વરાજ્યની દરેક બેઠકમાં મતો ઓછા અને હરિફો વધુ હોય છે. જે ઉમેદવારો ઉભા રાખવામાં રાજકીય દાવપેચ ખેલાય છે તે જ રીતે મજબૂત હરિફ ઉમેદવારના મત કાપવા માટે મતદારોને રાજી કરીને નોટાનું ચિહ્ન બતાવીને મતદાન કરાવાય તેવું બની શકે છે. આમ, મતદારની નારાજગી માટે અમલમાં લવાયેલાં ‘નોટા’નો ઉપયોગ હવે રાજકીય ચાલાકી કે આંતરિક સમજૂતી માટે થતો હોવાની સંભાવના પણ અમુક લોકો જોવે છે.

નેતાઓના નાટક કરતાં 'નોટા' સારો!? સત્તાની શતરંજમાં વિકલ્પના અભાવે ભાજપ ફાવી જશે! 3 - image