Get The App

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય 1 - image

Sabarkantha News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે ત્યારે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર લીનાબહેન લક્ષ્મણભાઈ નિનામાનું ગત દિવસોમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે ચૂંટણી પંચ દ્વારા આ બેઠકની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, લીનાબહેન નિનામા આ વિસ્તારના એક સક્રિય અને લોકપ્રિય મહિલા અગ્રણી હતા. બુધવારની સાંજે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભિલોડાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર બીમારી સામે ઝઝૂમ્યા બાદ સારવાર દરમિયાન જ તેમનું કરુણ મૃત્યુ થયું હતું. તેમના અવસાનથી સ્થાનિક ભાજપ સંગઠન અને મતદારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય

વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીના નિયમો અનુસાર, જો કોઈ માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું મતદાન પહેલાં નિધન થાય, તો તે બેઠકની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દેવામાં આવે છે.

હવે આ બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે. ભાજપ દ્વારા આ બેઠક પર હવે નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. 

ઈડર નગરપાલિકામાં જિલ્લા ભાજપ પ્રમુખે 10 આગેવાનોને સસ્પેન્ડ કર્યા 

સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા શિસ્તભંગના પગલાં લેતા ઈડર અને હિંમતનગરના કુલ 10 આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે પક્ષના જ 9 પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોએ ત્રણ વૉર્ડમાં અપક્ષ પેનલ બનાવી ઉમેદવારી નોંધાવતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસિંહ તંવરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, હિંમતનગરમાં પણ પક્ષ સામે અપક્ષ ઉમેદવારી કરનાર એક ભાજપ કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, આમ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કુલ 10 કાર્યકરો સામે ભાજપે લાલ આંખ કરી છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: ઉમેદવારોને લોકોના બહિષ્કારનો ભય, તંત્રને 'વોટિંગ' ઘટવાનો ડર! ભોગ બન્યા શાળાના બાળકો