| AI IMAGE |
Ahmedabad News: વિશ્વમાં ચાલી રહેલી ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈની સીધી અને માઠી અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ખાડી દેશોમાં સળગેલી યુદ્ધની જ્વાળામાં ગુજરાતના સમૃદ્ધ ઉદ્યોગો હોમાઈ રહ્યા છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં 1212 ઉદ્યોગો કાયમી ધોરણે બંધ થઈ ગયા છે. જ્યારે 28 હજારથી વધુ એકમો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે.
ગેસ નહીં, આર્થિક અડચણ જવાબદાર
ઉદ્યોગકારો જ્યારે ગેસ કાપ અને મોંઘા રો-મટિરિયલની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેમ લાગે છે. સરકારે દલીલ કરી છે કે, ઉદ્યોગો બંધ થવા પાછળ ગેસની અછત નહીં પરંતુ આર્થિક અડચણો જવાબદાર છે. સરકારના આ વાહિયાત બહાનાથી ઉદ્યોગ જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કયા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો?
યુદ્ધના કારણે નિકાસ ઠપ થતા અને કાચા માલના ભાવ આસમાને પહોંચતા અનેક ક્ષેત્રોની હાલત કફોડી બની છે. મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગેસ કાપ અને ખર્ચ વધતાં 400થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે. સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગ નિકાસ ઘટતાં પ્રોસેસિંગ યુનિટો સિંગલ શિફ્ટમાં આવી ગયા છે. હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ ઘટતા નિકાસમાં મોટો ઘટાડો થયો છે. હોટલ અને કેટરિંગ વ્યવસાય કોમર્શિયલ ગેસની અછતને કારણે આ ઉદ્યોગ મરવાના વાંકે જીવી રહ્યો છે.
શ્રમિકોનું મોટાપાયે સ્થળાંતર
ગુજરાતના ઉત્પાદન ક્ષેત્રમાં અંદાજે 20 લાખથી વધુ કામદારો રોજીરોટી મેળવે છે. ઉદ્યોગો બંધ થતાં હજારો શ્રમિકોએ વતનની વાટ પકડી છે. સરકાર 159 ઔદ્યોગિક રસોડા દ્વારા 50 હજાર મજૂરોને જમાડીને પોતાની સિદ્ધિ ગણાવી રહી છે, પરંતુ લાખો બેરોજગાર થયેલા હાથો સામે આ મદદ ઊંટના મોઢામાં જીરું સમાન સાબિત થઈ રહી છે.
| ઉદ્યોગ | ગેસ સપ્લાય (ટકામાં) |
| ટેક્સટાઇલ્સ ઉદ્યોગ | 0.1 ટકા |
| કેમિકલ્સ ઉદ્યોગ | 0.1 ટકા |
| પ્લાસ્ટિક ઉદ્યોગ | 0.1 ટકા |
| ફિશરીઝ ઉદ્યોગ | 0.7 ટકા |
| ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ | 0.6 ટકા |
| સ્ટીલ ઉદ્યોગ | 1.0 ટકા |
| સીડ પ્રોસેસિંગ ઉદ્યોગ | 3.0 ટકા |
| ફાર્મા ઉદ્યોગ | 2.7ટકા |
| હોટલ-રેસ્ટોરન્ટ | 5.2 ટકા |
| ફૂડ પ્રોસેસિંગ-ડેરી ઉદ્યોગ | 10.2 ટકા |


