Petrol Diesel Prevent Shortage: વૈશ્વિક સ્થિતિને કારણે દેશમાં ઊભી થયેલી સ્થિતિને જોતાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારે કમર કસી છે. સરકાર દ્વારા સપ્લાય ચેઈનમાં પડતી અડચણોને દૂર કરવા અને કાળાબજાર રોકવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની અને કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્ય સચિવ અધ્યક્ષ
રાજ્ય કક્ષાની આ સમિતિ મુખ્ય સચિવના અધ્યક્ષપદે કાર્યરત રહેશે, જેમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિનું પ્રાથમિક કાર્ય રાજ્યભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી અને અનાજ જેવા પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત, જરૂરિયાત મુજબ આંતર-જિલ્લા સ્તરે જથ્થાની ફાળવણી અને હેરફેર માટે આ સમિતિ સીધા દિશાનિર્દેશો આપશે.

શું કામ કરશે?
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોસ્પિટલો, જાહેર પરિવહન અને સસ્તા અનાજની દુકાનો (PDS) જેવા અતિ આવશ્યક સેવાકીય ક્ષેત્રોમાં પુરવઠો જરા પણ ખોરવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાજ્ય સમિતિ દૈનિક સ્ટોક રિપોર્ટિંગનું નિરીક્ષણ કરશે અને જરૂર પડ્યે કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને પુરવઠાની ખાતરી કરશે જેથી કોઈ પણ ક્ષેત્રે અછત જેવી સ્થિતિ ઊભી ન થાય.
જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઉભા થશે
જિલ્લા કક્ષાએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકની બનેલી સમિતિ સ્થાનિક સ્તરે કડક નજર રાખશે. દરેક જિલ્લામાં સ્પેશિયલ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે, જે નિયત સમયે રાજ્ય કક્ષાએ રિપોર્ટિંગ કરશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સપ્લાય ચેઈનની નાની-નાની અડચણોને સ્થાનિક સ્તરે જ ઉકેલવાનો અને વ્યવસ્થાને ગતિશીલ રાખવાનો છે.
બજારમાં કૃત્રિમ અછત ઊભી કરનારા સંગ્રહખોરો અને કાળાબજારિયાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. કલેક્ટરોને આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાની સૂચના અપાઈ છે. સાથોસાથ, સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી અને 'પેનિક બાઇંગ' (ગભરાટમાં આવીને થતી ખરીદી) રોકવા માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે જેથી નાગરિકો ગેરમાર્ગે ન દોરાય.


