Gujarat

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ

By GS TEAM
10 Jun 20263 mins read
TukuTouch Logo
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર CRPF જવાનના પરિવારને અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે નડિયાદ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલના ચુકાદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. કોર્ટે મૃતકના વારસદારોને મળનારા વળતરમાં રૂ. 6.23 લાખનો વધારો મંજૂર કર્યો છે. આ સાથે જ, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તેમના પત્નીને પણ રૂ. 2.11 લાખનું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ

Gujarat High Court Pay And Recover Orders: માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર CRPF જવાનના પરિવારને અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે નડિયાદ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલના ચુકાદામાં મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. કોર્ટે મૃતકના વારસદારોને મળનારા વળતરમાં રૂ. 6.23 લાખનો વધારો મંજૂર કર્યો છે. આ સાથે જ, આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તેમના પત્નીને પણ રૂ. 2.11 લાખનું વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

વર્ષ 2013માં સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં CRPFમાં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ બારૈયાનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પત્ની વર્ષાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે નડિયાદ ટ્રિબ્યુનલે અગાઉ વળતર મંજૂર કર્યું હતું. જે મૂલ્યાંકન યોગ્ય રીતે થયું હોવાના દાવા સાથે જવાનના પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જવાનના પત્નીના એડવોકેટે દલીલો કરી હતી કે, ટ્રિબ્યુનલના ચૂકાદામાં મૃતક જવાનની આવક અને અન્ય પરિબળોની ગણતરી યોગ્ય રીતે નથી કરી.

હાઈકોર્ટે આવકનું પુનઃમૂલ્યાંકન કર્યું

જસ્ટિસ હસમુખ ડી. સુથારની અદાલતે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, ટ્રિબ્યુનલ દ્વારા મૃતકની આવકનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ભવિષ્યની આર્થિક ખોટ ઓછી ગણાઈ હતી. હાઈકોર્ટે આવકનું નવેસરથી પુનઃમૂલ્યાંકન કરીને કુલ વળતર રૂ. 53.53 લાખથી વધારીને રૂ. 59.76 લાખ કર્યું હતું. આમ, શહીદના પરિવારને રૂ. 6.23 લાખનું વધારાનું વળતર વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કરાયો છે. અદાલતે સુપ્રીમ કોર્ટના વિવિધ સીમાચિહ્નરૂપ ચુકાદાઓનો હવાલો આપીને મૃતકના ચાર આશ્રિતોને ‘લોસ ઓફ કન્સોર્ટિયમ’ હેઠળ વધુ રકમ આપવા ઉપરાંત, અંતિમ સંસ્કાર ખર્ચ અને મિલકતના નુકસાનની રકમમાં પણ વધારો કર્યો છે.

ઇજાગ્રસ્ત પત્નીના વળતરમાં પણ વધારો

ઇજાગ્રસ્ત પત્ની વર્ષાબેનના કેસમાં પણ હાઈકોર્ટે ટ્રિબ્યુનલના મૂલ્યાંકનને અપૂરતું ગણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સ્ત્રી ગૃહિણી હોવા છતાં તેમની આવક ન્યૂનતમ વેતનના ધોરણે જ ગણવી જોઈએ. આ તર્ક સાથે કોર્ટે તેમની માસિક આવક રૂ. 4,000ના બદલે રૂ. 5,300 ગણી હતી. તેમાં ભવિષ્યની આવકની સંભાવનાઓ ઉમેરીને તેમનું કુલ વળતર રૂ. 3.07 લાખથી વધારીને રૂ. 5.19 લાખ કરવામાં આવ્યું છે (રૂ. 2.11 લાખનો વધારો).

વીમા કંપની માટે 'Pay and Recover'નો મહત્વનો આદેશ

આ ચુકાદાની સૌથી મહત્વની બાબત વીમા કંપનીને આપવામાં આવેલો “Pay and Recover” (ચૂકવણી કરો અને વસૂલ કરો)નો આદેશ છે. અકસ્માત સર્જનાર વાહનચાલક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું. જો કે, કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ડ્રાઇવરની ભૂલના કારણે પીડિતોને તેમના કાયદેસરના વળતરથી વંચિત રાખી શકાય નહીં.  હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે વીમા કંપનીએ પ્રથમ તબક્કે પીડિત પરિવારને તમામ વળતર ચૂકવી દેવાનું રહેશે. ત્યારબાદ કંપની આ રકમ વાહનના મૂળ માલિક પાસેથી કાયદેસરની કાર્યવાહી કરીને વસૂલ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટના આ સંવેદનશીલ ચુકાદાને માર્ગ અકસ્માતના પીડિતો અને આશ્રિતોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતો અને “પે એન્ડ રિકવર”ના સિદ્ધાંતને વધુ મજબૂત કરતો એક ઐતિહાસિક નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવાનું કારણ

અન્ય એક કેસમાં હાઈકોર્ટનો રૂ. 1.25 કરોડ ચૂકવવાનો આદેશ

આ જ સિદ્ધાંત હેઠળ હાઈકોર્ટે અન્ય એક મોટા કેસમાં પણ પીડિત પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. વાહન ડ્રાઇવર પાસે લાઇસન્સ ન હોવાના કારણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલે વીમાની રકમ ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. આ નિર્ણયને મૃતક ડ્રાઇવરના પત્નીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજદારના વકીલે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને દલીલ કરી હતી કે લાઇસન્સ ન હોવાના બહાને વીમા કંપની પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં. હાઈકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને વીમા કંપનીને આદેશ કર્યો છે કે તે અરજદારોને રૂ. 1.25 કરોડનું વળતર માત્ર બે સપ્તાહમાં ચૂકવી દે.