Gujarat

ગુજરાત પર સંકટ: 21 ડેમ હાઇઍલર્ટ, રસ્તા બંધ, વીજળી ગુલ; 40 હજાર લોકોનું સ્થળાંતર

By GS Team
25 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકાર છે. 24-25 જુલાઈ દરમિયાન પાટણના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો. ઉત્તર ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોસમનો 76% વરસાદ નોંધાયો. 21 ડેમ હાઇઍએલર્ટ પર છે અને 40,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF-SDRF ટીમો રાહત કાર્યમાં જોતરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પર સંકટ: 21 ડેમ હાઇઍલર્ટ, રસ્તા બંધ, વીજળી ગુલ; 40 હજાર લોકોનું સ્થળાંતર

Gujarat Heavy Rain: ગુજરાતમાં ચોમાસાની સિઝને પચાસ ટકાની ઓવરક્રોસ લાઇન વટાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જેમાં 24 જુલાઈથી 25 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારના પાટણ અને વાવ-થરાદ ક્ષેત્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે રાજ્યના 21 ડેમો હાઇઍલર્ટ પર છે. જ્યારે અનેક રોડ-રસ્તા બંધ થયા છે. અવિરત વરસાદના કારણે નવસારી, વલસાડ સહિત અનેક જગ્યાએથી 40 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાજ્યના 648 રસ્તાઓ બંધ

ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે રાજ્યભરમાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગના રિપોર્ટ મુજબ સ્ટેટ હાઇવે, પંચાયત અને અન્ય મળી કુલ 648 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

Screenshot 2026-07-25 at 3.48.32 PM.png

પાટણ અને વાવ-થરાદમાં આકાશી આફત: સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 34 જિલ્લાના 265 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સરેરાશ 56.19 મિ.મી. (આશરે 2.2 ઇંચ) વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય વાવ-થરાદના ભાભરમાં 11.3 ઇંચ, દિયોદરમાં 10.83 ઇંચ અને ખેડાના નડિયાદમાં 10.31 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં મોસમનો 76% વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 76.39% (1177.98 મિ.મી.) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 43.33% અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.21% વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 254.88 મિ.મી. સાથે 34.90% અને કચ્છ રીજિયનમાં 92.90 મિ.મી. સાથે સૌથી ઓછો 18% વરસાદ જ નોંધાયો છે.

21 ડેમ 'હાઇ ઍલર્ટ' પર, સરદાર સરોવર 68.93% ભરાયો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,30,289 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ ક્ષમતાના 68.93% છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 44.82% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ભારે આવકના પગલે 14 ડેમ 100% ભરાઈ જતાં 21 ડેમોને 'હાઇ ઍલર્ટ', 4 ડેમોને 'ઍલર્ટ' અને 14 ડેમોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે.

Screenshot 2026-07-25 at 3.47.38 PM.png
Screenshot 2026-07-25 at 3.47.38 PM.png

40,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર; 6,766 લોકોનું રેસ્ક્યૂ

પૂર અને ભારે વરસાદની કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 40,675 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 6,766 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરતમાંથી 14,357 અને વલસાડમાંથી 15,674 લોકોને ખસેડવામાં આવ્યા છે.

Screenshot 2026-07-25 at 3.47.51 PM.png

NDRF-SDRF અને આર્મી મેદાનમાં; 4,525 ગામડાઓમાં વીજળી ગુલ

રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 17 ટીમો, SDRFની 32 પ્લાટૂન અને આર્મીની 6 ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, વાવાઝોડા અને ભારે વરસાદના કારણે GUVNLના વીજ માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે. કુલ 4,525 અસરગ્રસ્ત ગામડાઓમાંથી 4,348 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, જ્યારે 177 ગામોમાં અંધારપટ છવાયો છે.