પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Aircraft Expense: ગુજરાત સરકાર દ્વારા મહાનુભાવોની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતો તોતિંગ ખર્ચ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યો છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં આ વાહનોની જાળવણી અને સ્ટાફ પાછળ અંદાજે 86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલા જંગી ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ સર્જાતા મેન્ટેનન્સની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
બે વર્ષમાં મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ
સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રાખવામાં આવેલા પ્લેન-હેલિકોપ્ટરની જાળવણી પાછળ વર્ષ 2024-25માં 27.71 કરોડ રૂપિયા, વર્ષ 2025-26માં 28.95 કરોડ રૂપિયા, જ્યારે કુલ મેન્ટેનન્સમાં 56.66 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
પગાર અને અન્ય સ્ટાફનો ખર્ચ
માત્ર જાળવણી જ નહીં, પરંતુ આ વાહનોના સંચાલન માટે રાખવામાં આવેલા સ્ટાફ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પાયલટનો પગારમાં 28 કરોડ રૂપિયા, અન્ય સ્ટાફ માટે 1.58 કરોડ રૂપિયા, જે કુલ સંયુક્ત ખર્ચ અંદાજે 86.24 કરોડ રૂપિયા છે.
ખર્ચ છતાં ટેકનિકલ ખામી
ચોંકાવનારી બાબત એ છે કે કરોડોના ખર્ચ પછી પણ બે વખત એવી ઘટના બની હતી જેમાં ટેકનિકલ ખામીને લીધે પ્લેન-હેલિકોપ્ટર ઉડી શક્યા નહોતા. આ ખામીઓને કારણે મહાનુભાવોની સત્તાવાર મુલાકાતોમાં વિક્ષેપ પડ્યો હતો અને તેમને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
'જનતાના ટેક્સના પૈસાનું આંધણ'
આ આંકડાઓ સામે આવતા જ વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય જનતાની પાયાની સુવિધાઓ માટે બજેટમાં ખેંચતાણ અનુભવતી સરકાર VIP સુવિધાઓ પાછળ અંધાધૂંધ ખર્ચ કરી રહી છે. મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયા ખર્ચવા છતાં જો ટેકનિકલ ખામી રહેતી હોય, તો આ નાણાં ક્યાં વપરાયા તેની તપાસ થવી જોઈએ. જનતાના પરસેવાના પૈસાનો આ રીતે 'ધુમાડો' કરવો એ ચિંતાનો વિષય છે.









