ગુજરાતમાં સરકારી તાયફામાં ધૂમ ખર્ચ, પણ યાત્રાધામના વિકાસમાં કંજૂસાઈ! કરોડોનું ફંડ પડી રહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - WIKIPEDIA) |
Pavitra Yatradham Vikas Board: હિન્દુત્વની દુહાઈ દેનાર ભાજપ સરકારને જાણે પવિત્ર યાત્રાધામના વિકાસમાં હવે રસ રહ્યો નથી. ખુદ સરકારે એ વાતનો એકરાર કર્યો છે કે, યાત્રાધામના વિકાસ માટે રાજ્ય સરકાર પાસે રૂ. 7 કરોડ કરતાંય વધુ ગ્રાન્ટ હોવા છતાંય રૂ. 3.90 કરોડનો ખર્ચ કરાયો નથી. સરકારી તાયફા કરવા હોય તો લખલૂટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે જ્યારે યાત્રાધામના વિકાસમાં પૈસા ખર્ચવામાં સરકાર કંજૂસાઈ દાખવી રહી છે.
પવિત્ર યાત્રાધામ બોર્ડનું આયોજન: અંબાજીથી સોમનાથ સુધીનો રોડમેપ
ગુજરાતમાં અંબાજીથી માંડીને સોમનાથ મંદિર સહિત અન્ય યાત્રાધામના વિકાસને લઈને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ વિવિધ આયોજન કરે છે. શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાધામોમાં વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે તે માટે રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકાર પણ ગ્રાન્ટ ફાળવે છે.
વિધાનસભામાં ખુલાસો: યાત્રાધામ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ છતાં કામ બાકી
વિધાનસભામાં ખુદ સરકારે સ્વીકાર્યું કે, ગુજરાતમાં યાત્રાધામના વિકાસ માટે વર્ષ 2024-25માં રૂ. 3.07 કરોડની ફાળવણી કરાઈ હતી જ્યારે વર્ષ 2025-26માં રૂ. 4.63 કરોડ ફાળવાયા હતા. કુલ મળીને રૂ. 7.70 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી તેમ છતાંય યાત્રાધામોના વિકાસ પાછળ સરકારે રૂ. 3.90 કરોડની જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી હતી. આ પરથી સરકારને યાત્રાધામના વિકાસમાં કેટલો રસ છે તે પ્રસ્થાપિત થયું હતું.
સોમનાથના વિકાસ મુદ્દે ગરમાયું રાજકારણ
આ તરફ, આ વર્ષે પવિત્ર યાત્રાધામ સોમનાથમાં ભાજપ સરકારે સ્વાભિમાન પર્વની ઉજવણી કરીને લાખો-કરોડોનો ખર્ચ કર્યો હતો. સાથે સાથે ધૂમ પ્રચાર પણ કર્યો હતો. એટલું જ નહીં, અન્ય રાજ્યોમાં પણ સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવાનું નક્કી કરાયું હતું. બીજી તરફ, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો કે, વર્ષ 2025માં સોમનાથ શહેરના વિકાસ માટે સરકારે રૂ. 90 લાખ ગ્રાન્ટ ફાળવી હતી તે પૈકી કાણીપાઈનો ખર્ચ કરાયો નથી.
આ પણ વાંચો: કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ એલર્ટ': ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ
સોમનાથ શહેરની પ્રજા પાયાની સુવિધા માટે વલખાં મારી રહી છે ત્યારે લાખો રૂપિયા ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી હતી. 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સૂત્રો ગજવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાની સુવિધા ન મળે તે માટે ભાજપ સરકારનો કોઈ છૂપો એજન્ડા તો નથી? તેવો ચુડાસમાએ સવાલ ઉઠાવ્યો હતો.








