Get The App

કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ ઍલર્ટ': ઈઝરાયલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
કાપડથી લઈને કેમિકલ સુધી 'રેડ ઍલર્ટ': ઈઝરાયલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ 1 - image


 AI IMAGE


Iran Israel War : ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે વણસી રહેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર અને પ્રવાસન ક્ષેત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો ગુજરાતના આઠથી દસ મુખ્ય ઉદ્યોગોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે અને ટુર ઓપરેટરોને અંદાજે ₹50 કરોડનો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.

ઔદ્યોગિક ક્ષેત્રે પડનારા પ્રત્યાઘાતો

વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર જેવા ઔદ્યોગિક કેન્દ્રો ડામાડોળ થવાની શક્યતા છે. 

કૃષિ અને ટેક્સટાઇલ : આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસની નિકાસ અટકતા સ્થાનિક બજારમાં ભાવ ઘટવાની શક્યતા છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ, જે મધ્ય-પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે, તેને સીધો ફટકો પડશે.

સિરામિક અને કેમિકલ: મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસ સપ્લાય માટે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' પર નિર્ભર છે; આ માર્ગ બંધ થતાં ઉત્પાદન ખોરવાશે. તેવી જ રીતે, ક્રૂડ ઓઇલ મોંઘું થતાં ભરુચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધશે.

હીરા અને ફાર્મા: યુરોપ-અમેરિકામાં જ્વેલરીની માંગ ઘટશે અને સોનાના ભાવ વધતા સ્થાનિક મંદી આવશે. ફાર્મા ક્ષેત્રે 'એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ'(API)ની આયાત મોંઘી થતાં દવાઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.

લોજિસ્ટિક્સ: કંડલા, મુદ્રા અને પીપાવાવ પોર્ટ પરથી થતા પરિવહનને અસર પહોંચતા વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.

પ્રવાસન અને ફસાયેલા ગુજરાતીઓની સ્થિતિ

યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થતાં પ્રવાસન ઉદ્યોગ સંકટમાં મૂકાયો છે. આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જો યુદ્ધ વધુ 15 દિવસ ચાલશે, તો ટુર ઓપરેટરોને ₹50 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં રિફંડ અને બુકિંગ કેન્સલેશન માટે એજન્સીઓ પર દબાણ વધી રહ્યું છે.

વિદેશમાં અટવાયેલા પ્રવાસીઓ: અંદાજે 3000 ગુજરાતીઓ દુબઈ, શારજાહ અને અબુધાબીમાં અટવાયા છે. હોળી-ધુળેટીના વેકેશનમાં ગયેલા આ પ્રવાસીઓને પરત લાવવા સરકાર માટે પડકાર છે.

ઓમાનમાં તબીબોની ટુકડી: અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ જીજ્ઞેશ શાહ અને 10 ડૉક્ટરો સહિત 44 ગુજરાતીઓ ઓમાનમાં ફસાયા છે. તેઓ 4થી માર્ચે પરત આવવાના હતા, પરંતુ હવે 5મી માર્ચ સુધીમાં પરત ફરે તેવી સંભાવના છે.

આમ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, આ યુદ્ધ ગુજરાતના વેપાર-રોજગાર અને સામાન્ય નાગરિકોના જનજીવન પર ગંભીર અસર કરી રહ્યું છે.