ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રીય પર્વોના આયોજક જિલ્લાઓ માટે વિકાસ ગ્રાન્ટ બમણી કરાઈ, જાણો ક્યાં કેટલી રકમ ફાળવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Government Doubles Development Grant Host Districts: ગાંધીનગરની બહાર યોજાતા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વો તેમજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આયોજક જિલ્લાને મળતી વિકાસ ગ્રાન્ટમાં ગુજરાત સરકારે બમણો વધારો કર્યો છે. નવી જોગવાઈ મુજબ, જે જિલ્લામાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ કે રાજ્ય સ્થાપના દિવસ યોજાશે, તે જિલ્લાને વિકાસ કાર્યો માટે 10 કરોડથી લઈને 15 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
નવી જોગવાઈઓ અને ગ્રાન્ટનું માળખું
સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ, વિકાસ ગ્રાન્ટમાં અગાઉની સરખામણીએ 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને આપવામાં આવતી રકમ 2.50 કરોડથી વધારીને 5 કરોડ રૂપિયા કરાઈ છે. શહેરી વિસ્તાર એટલે કે નગરપાલિકાઓમાં જિલ્લા કલેક્ટરને આપવામાં આવતી ગ્રાન્ટ 2.50 કરોડથી વધારીને 5 કરોડ રૂપિયા કરાઈ છે. અને જો આયોજન સ્થળ મહાનગરપાલિકા ક્ષેત્રમાં આવતું હોય, તો મ્યુનિસિપલ કમિશનરને 5 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ અપાશે. જ્યારે જે જિલ્લામાં મહાનગરપાલિકા ન હોય, ત્યાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તાર મળીને કુલ 10 કરોડ રૂપિયા મળશે. જ્યારે મહાનગરપાલિકા ધરાવતા જિલ્લાને ત્રણેય ક્ષેત્રો મળીને કુલ 15 કરોડ રૂપિયા મળશે.
અમરેલીને મળશે 10 કરોડ રૂપિયા
આગામી 15 ઓગસ્ટ, 2026ના રોજ રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ અમરેલી જિલ્લામાં યોજાવાનો છે. અમરેલીમાં મહાનગરપાલિકા ન હોવાથી આ નવી નીતિ હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે 5 કરોડ અને નગરપાલિકાઓ માટે 5 કરોડ મળીને કુલ 10 કરોડ રૂપિયાની વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
પરંપરાનો ઇતિહાસ
વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પર્વોની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર વિવિધ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરી હતી. આ કડીમાં પ્રથમ વખત 15 ઓગસ્ટ, 2003ના રોજ પાટણમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ યોજાયો હતો. આ આયોજનો સાથે સ્થાનિક વિસ્તારોમાં વિકાસ કાર્યોને ગતિ આપવાનો હેતુ જોડાયેલો છે, જેને વર્તમાન મુખ્યમંત્રીના વડપણ હેઠળ આગળ ધપાવવામાં આવી રહ્યો છે.









