Get The App

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ 1 - image


Gujarat Government On Petrol-Diesel Shortage Rumors: છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

જાણીજોઈને પંપ બંધ રાખનાર ડીલરો સામે થશે કાર્યવાહી

રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક પાસે પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે સતત મોનિટરિંગ કરી રહી છે.

IOCLની ખાતરી: ડેપોમાં પૂરતી ઇન્વેન્ટરી ઉપલબ્ધ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે આ અંગે નિવેદન આપ્યું છે કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલ ડેપો અને ટર્મિનલ્સમાં ઇંધણની પૂરતી ઇન્વેન્ટરી (સ્ટોક) ઉપલબ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકોએ પંપ પર ખોટી ભીડ કરવાની જરૂર નથી, રાજ્યમાં ગમે ત્યારે જરૂર મુજબનું ઈંધણ મળી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન

સપ્લાયના કલાકો વધારાયા, સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહો

ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે પણ જનતાને આશ્વસ્ત કરતા કહ્યું છે કે, ઓઈલ કંપનીઓએ ઈંધણના સપ્લાયના કલાકોમાં વધારો કર્યો છે અને જથ્થો પણ વધારી દીધો છે. સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવા તેમણે વિનંતી કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા સર્જાશે નહીં.