Gujarat

અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઇનો લાગી, વાહન ચાલકો પરેશાન

By GS TEAM
23 Mar 20264 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની સપ્લાયને અસર પડી છે. જેના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં અનેક પેટ્રોલ પંપ પર 'નો સ્ટોક'ના બોર્ડ જોવા મળી રહ્યા છે. સપ્લાયમાં ઘટાડો અને રજાઓના કારણે પેમેન્ટમાં વિલંબ જેવા કારણોસર ઈંધણની અછત સર્જાતા જનતા મુશ્કેલીમાં મુકાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઇનો લાગી, વાહન ચાલકો પરેશાન

Gujarat Fuel Crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની સપ્લાયને અસર પડી છે. જેના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં અનેક પેટ્રોલ પંપ પર 'નો સ્ટોક'ના બોર્ડ જોવા મળી રહ્યા છે. સપ્લાયમાં ઘટાડો અને રજાઓના કારણે પેમેન્ટમાં વિલંબ જેવા કારણોસર ઇંધણની અછત સર્જાતા જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે.

અમદાવાદ અને વડોદરાની સ્થિતિ

અમદાવાદમાં આફવાને લીધે કેટલાક પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે. એક વાત એ પણ સામે આવી છે કે પેટ્રોલ પૂરતું છે પણ એની ડિલિવરી ટાઇમ ટુ ટાઇમ ન થવાને લીધે થોડીક મુશ્કેલી સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરની અંદર દસેક જેટલા પેટ્રોલ પંપ ઉપર ઇંધણનો જથ્થો ડિલીવર થયો નથી જેને લીધે ટેમ્પરરી ક્લોઝ રાખ્યા છે બંધ કરાયા નથી. સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતને લીધે લોકો પેટ્રોલ ભરાવવા માટે અત્યારે અમુક પેટ્રોલ પંપ પર લાઇનો લગાવી રહ્યા છે. વડોદરામાં પણ ખાનગી પંપો પર શોર્ટ સપ્લાય હોવાથી વાહનચાલકો સરકારી પંપો તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં 'પેનિક બાઇંગ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

ભીડને કારણે અનેક મુખ્ય માર્ગો પર ચક્કાજામ 

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર ઉમટી પડેલી ભીડને કારણે અનેક જગ્યાએ ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને એસ.જી. હાઇવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો રસ્તા સુધી પહોંચતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એકતરફ પેટ્રોલ મેળવવાની દોડધામ અને બીજી તરફ આકરા તાપને કારણે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોની હાલત કફોડી બની હતી. અફવાને પગલે સર્જાયેલી આ અવ્યવસ્થામાં સામાન્ય જનતા ગરમી અને જામ વચ્ચે પીસાતી જોવા મળી હતી

સુરત ઇન્ડસ્ટ્રિયલ કન્ઝ્યુમર્સના કારણે દબાણ વધ્યું

સુરતમાં ઓઇલ કંપનીઓએ સપ્લાયમાં અચાનક ઘટાડો કર્યો છે. અગાઉ જ્યાં દિવસની 3 ગાડીઓ આવતી હતી ત્યાં હવે માત્ર એકથી ગોઢ ગાડી જ માલ મળે છે. ઇન્ડસ્ટ્રિયલ કન્ઝ્યુમર્સને ડાયરેક્ટ કંપની પાસેથી મળતા ઓઇલમાં 12 રૂપિયાનો વધારો થતા, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી બલ્ક ખરીદી કરી રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના સ્ટોક પર પડી રહી છે.

રાજકોટમાં અફવાઓનું બજાર ગરમ

રાજકોટ શહેરમાં પણ પંપો પર લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે, પેટ્રોલ પંપ ઍસોસિયેશને સ્પષ્ટતા કરી છે કે શહેરમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પડોશના અમુક પંપ બંધ હોવાથી લોકોમાં અફવા ફેલાઈ હતી, જેને કારણે ભીડ વધી હતી.

આ પણ વાંચો: 'મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા...', યુદ્ધ પર લોકસભામાં બોલ્યા PM મોદી

દ્વારકામાં યાત્રિકો મુશ્કેલીમાં

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં શનિ-રવિની રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપો જથ્થો પૂર્ણ થતાં, મુસાફરોને ઇંધણ વગર રઝળવાનો વારો આવ્યો છે. સંચાલકોના જણાવ્યાનુસાર, સોમવાર સાંજ સુધીમાં નવો જથ્થો આવવાની શક્યતા છે.

ઍસોસિયેશનનું શું કહેવું છે?

ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ઍસોસિયેશને જણાવ્યું હતું કે, 'અત્યારે કોઈ મોટી અછત નથી. શનિ-રવિની બૅન્ક રજાઓને કારણે ઘણા પંપ સંચાલકો પેમેન્ટ ભરી શક્યા નહોતા, જેના લીધે સપ્લાય અટક્યો છે. અમે રજૂઆત કરી છે કે શનિ-રવિમાં પણ રેગ્યુલર સપ્લાય ચાલુ રહેવો જોઈએ.'

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: ગુજરાત સરકાર

બીજી તરફ, રાજ્ય સરકારે જનતાને આશ્વસ્ત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને પેટ્રોલ પંપ પર ભીડ કરવાની કોઈ જરૂર નથી. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સપ્લાય ચેઇનમાં જે નાની-મોટી ક્ષતિઓ જણાતી હતી તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને દરેક વિસ્તારમાં ઇંધણનો પુરવઠો સમયસર મળી રહે તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુમાં, સરકારે કડક સૂચના આપતા ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ બાબતે ખોટી અફવાઓ ફેલાવશે અથવા ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કઠોર કાર્યવાહી કરવામાં આવશે.

ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ

આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,  'ભારતમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરવામાં આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પડકારજનક થઈ ગઈ છે. આમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય પ્રભાવિત ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારત 60 ટકા LPGની આયાત કરે છે, જેની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના કારણે LPGનું પ્રોડક્શન ભારતમાં જ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પણ જળવાઈ રહે તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત પાસે આજે 53 લાખ મેટ્રિક ટનનું પેટ્રોલિયમ ભંડાર રિઝર્વ છે. આ સિવાય ઓઇલ કંપનીઓ પાસે જે રિઝર્વ રહે છે તે અલગ છે.'