Gujarat

હવે દવાઓ પણ નકલી? ગુજરાતના અનેક મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓમાં દરોડા: બીપી સહિતની બોગસ દવાઓ ઝડપાઈ! જુઓ યાદી

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
ગુજરાત FDCAએ નકલી દવાઓનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 3 દિવસની સઘન તપાસ બાદ 30થી વધુ મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્લડપ્રેશર સહિતની બોગસ દવાઓ મળી આવી હતી. અંદાજે 1.70 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે દવાઓ પણ નકલી? ગુજરાતના અનેક મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓમાં દરોડા: બીપી સહિતની બોગસ દવાઓ ઝડપાઈ! જુઓ યાદી

Gujarat FDCA Raid Fake Medicine Busted: ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાતના અનેક મેડિકલ સ્ટોર્સ-એજન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્લડ પ્રેશર સહિતની બોગસ દવાઓ ઝડપાઈ છે.

ગુજરાતના અનેક મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓમાં દરોડા

ભરૂચની જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા.લિ. ખાતે વેચાતી હોવાની તંત્રને માહિતી મળી હતી. જેમાં માહિતીના આધારે 19 ઓગસ્ટ, 2026થી અમદાવાદ અને અન્ય સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તંત્ર દ્વારા 30થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી છે

બીપી સહિતની બોગસ દવાઓ ઝડપાઈ!

તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના નામે દર્શાવાયેલી NICARDIA RETARD 10 TABLETSનો જથ્થો મળી આવ્યો હતો. આ દવાના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે.

જ્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી પાર્શ્વ મેડિકલ એજન્સી ખાતેથી ભાવનગરની એપેક્ષ ફાર્મા એજન્સી મારફતે રોટરી ટીમ્બી મેડીકલ સ્ટોર્સને સપ્લાય કરવામાં આવેલા શંકાસ્પદ દવાની 590 ટેબ્લેટનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા હતા અને સંબંધિત જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તેમાં વિવિધ બેચની Nicardia Retard 20 Tablets, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 તથા Nicardia Retard 10 Tabletsનો સમાવેશ થાય છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ.1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેનની ઓળખ

સેના ફાર્માસ, લખનઉ(ઉત્તર પ્રદેશ) → પાર્થ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ → પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ → સાણંદ મેડિકલ સ્ટોર, સાણંદ → લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ

વિવિધ પેઢીઓમાં તપાસ

આ બાબતે અમદાવાદ ,સુરત તથા ભુજ ખાતેની પણ અન્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

  • લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ
  • સાણંદ મેડિકલ સ્ટોર્સ, સાણંદ
  • પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ
  • પાર્શ્વ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ
  • ફાર્મા–365, અમદાવાદ
  • કિશન મેડિકલ સ્ટોર, નડિયાદ
  • અરિહંત મેડિકલ એજન્સી, સેટેલાઇટ, અમદાવાદ
  • જે.એલ.યુ. મેડિકલ એજન્સી, શાહીબાગ, અમદાવાદ
  • વર્ધમાન મેડિકલ એજન્સી, અમદાવાદ
  • સાગર ફાર્મા એજન્સી, જૂનાગઢ.
  • આગમ ગમ ફાર્માસ્યુટિકલ મેઘાણીનગર, અમદાવાદ
  • આયુષ મેડિકલ એજન્સી
  • સુમેલ ,શાહીબાગ અમદાવાદ
  • એશ્યોર હેલ્થ કેર - દરીયાપુર અમદાવાદ
  • રિદ્ધિ મેડિકલ એજન્સી, સોલા અમદાવાદ
  • પારસ મેડિકલ એજન્સી, એલિસબ્રિજ અમદાવાદ
  • ગ્લોબલ ફાર્મા ઘાટલોડિયા અમદાવાદ
  • ગિરિરાજ હેલ્થ કેર પાલડી, અમદાવાદ
  • કે એમ ડિસ્ટ્રીબ્યુટર એલિસબ્રિજ, અમદાવાદ
  • મેરુ ફાર્મા, સુરત
  • શ્યામ ડ્રીસ્ટ્રીબ્યુટર, સુરત
  • સંજીવની મેડિકલ ગાંધીધામ, ભુજ
  • એપેક્ષ ફાર્મા, ભાવનગર
  • રોટરી ટીંબી મેડીકલ સ્ટોર, ઉમરાળા, ભાવનગર
  • રામ મેડીકલ સ્ટોર, ભાવનગર
  • સત્યમ ફાર્મસી, ભાવનગર

તંત્ર દ્વારા સંબંધિત અન્ય પેઢીઓની ખરીદ-વેચાણની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.