Gujarat's Debt Crisis: ગુજરાત પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે. વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ, રાજ્યનું કુલ જાહેર દેવું હવે 3,99,633 કરોડ પર પહોંચ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા બે વર્ષમાં સરકારે લીધેલી લોન સામે માત્ર વ્યાજની ચૂકવણી જ 51,000 કરોડને પાર કરી ગઈ છે. આમ, એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, તો બીજી તરફ રાજ્યની જનતા પર દેવાનો ભાર દિનપ્રતિદિન અસહ્ય બની રહ્યો છે.
ગુજરાત પર દેવાનો ડુંગર: ₹3.99 લાખ કરોડના દેવામાં ડૂબ્યું રાજ્ય
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં નાણા વિભાગે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. 2024-25ના સુધારેલા અંદાજ મુજબ, 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ રાજ્યનું કુલ બાકી જાહેર દેવું ₹3,99,633 કરોડે પહોંચ્યું છે. સરકારે આ દેવું ક્યાંથી અને ક્યારે લીધું તેની વિગતો પણ જાહેર કરી છે:
કેન્દ્રીય દેવું: વર્ષ 2001થી 2024-25 દરમિયાન 7થી 50 વર્ષની મુદત માટે લેવાયેલું દેવું.
NSSF લોન: વર્ષ 1999થી 2015-16 વચ્ચે 10થી 25 વર્ષ માટે લેવાયેલી લોન.
નાણાકીય સંસ્થાઓ: વર્ષ 2016-17થી 2024-25 દરમિયાન 7થી 15 વર્ષ માટે લીધેલી લોન.
બજાર લોન(Market Loan): વર્ષ 2011-12થી 2024-25 દરમિયાન 2થી 25 વર્ષની મુદત માટે મેળવેલી લોન.
તિજોરી પર ભાર: મુદલ અને વ્યાજની મસમોટી ચૂકવણી
ગુજરાત સરકારે લીધેલા દેવા સામે છેલ્લા બે વર્ષમાં જ ₹50,908 કરોડ જેવી માતબર રકમ માત્ર વ્યાજ પેટે ચૂકવવી પડી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, કેન્દ્રીય દેવું 0%થી 12.50%ના વ્યાજદરે લેવાયું છે, જેમાં વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન કુલ ₹1,089 કરોડનું વ્યાજ અને ₹2,012 કરોડની મુદલ ચૂકવાઈ છે. NSSF પાસેથી 9.50%થી 10.50%ના ઊંચા વ્યાજદરે લેવાયેલી લોન પેટે બે વર્ષમાં ₹4,428 કરોડ વ્યાજ અને ₹7,258 કરોડ મુદલની ચૂકવણી થઈ છે.
નાણાકીય સંસ્થાઓ પાસેથી 2.75%થી 8.10%ના દરે લેવાયેલી લોન સામે બે વર્ષમાં ₹1,646 કરોડ વ્યાજ અને ₹5,480 કરોડની મુદલ ચૂકવવામાં આવી છે. સૌથી મોટો બોજ બજાર લોનનો છે, જે 6.04%થી 8.79%ના વ્યાજદરે લેવાઈ છે. આ માર્કેટ લોન પેટે વર્ષ 2023-24માં ₹21,305 કરોડ વ્યાજ અને ₹18,551 કરોડ મુદલ, જ્યારે વર્ષ 2024-25માં ₹22,440 કરોડ વ્યાજ અને ₹21,922 કરોડની મુદલ ચૂકવીને સરકારે દેવાનો ભાર હળવો કરવા પ્રયાસ કર્યો છે.


