દારૂની મહેફિલના હાઈ પ્રોફાઈલ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર સહિત 26 આરોપી નિર્દોષ છૂટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Liquor Party Case: વર્ષ 2016માં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં અસાવરી ટાવરમાં બર્થ ડે પાર્ટીની ઉજવણીને લઈ દારૂની મહેફિલ માણતા વિદેશી દારૂની બોટલો સહિતના મુદ્દામાલ સાથે પકડાવાના ચકચારભર્યા હાઈપ્રોફાઈલ કેસમાં હાલના ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા સહિત 26 આરોપીઓને અત્રેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ સી.વી.ભટ્ટે ' નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
26 આરોપીઓને નિર્દોષ ઠરાવતાં કોર્ટે જણાવ્યું કે, માત્ર ફોર્મ-સીમાં લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ દર્શાવેલ હોવાથી આરોપીઓએ ગુનો આચર્યો છે તેવું માની લેવું વાજબી જણાતું નથી. કારણ કે, ફરિયાદી દ્વારા કરાયેલ કાર્યવાહી અને ડોકટર દ્વારા લીધેલ સેમ્પલની કાર્યવાહી સામે મહત્ત્વની શંકા ઉભી થાય છે.
ફરિયાદીની કાર્યવાહી અને ડૉક્ટરના સેમ્પલની કાર્યવાહી શંકાસ્પદ
પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસના અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. જે કેસનો ટ્રાયલ ચાલી જતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાર્થ અર્જુન મોઢવાડિયા સહિતના તમામ 26 આરોપીઓને આ કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, પ્રોહિબિશનનો ગુના નોંધવામાં આળે ત્યારે આરોપીએ કૈફી પીણાનું સેવન કર્યું હોય ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ તેનું બ્લડ સેમ્પલ લેવડાવવું જોઈએ પરંતુ હાલના કેસમાં બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવવામાં જે વિલંબ થયો છે તે શંકા ઊભી કરે છે.
વધુમાં, અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલથી એફએસએલ કચેરીમાં બ્લડ સેમ્પલ મોકલવામાં બે દિવસ સુધીનો સમય પસાર થયો તો તે વિલંબ અંગે પણ કોઈ હકીકત રેકર્ડ પર રજૂ થયેલી નથી. હાલના કેસમાં ફરિયાદીએ જે રેડ કરી તેની બાતમી મળ્યાથી લઇ સ્થળ પર કરેલ કાર્યવાહી સામે બે વિરોધાભાસી વર્ઝન રેકર્ડ પર આવેલ છે. આમ આરોપીઓ વિરૂધ્ધ નિશંકપણે ગુનો પુરવાર કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ રહ્યો છે, તેથી આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવે છે.
દારૂની મહેફિલના હાઈપ્રોફાઈલ કેસમાં કયા કયા આરોપીઓ નિર્દોષ છૂટ્યા?
વરૂણ મનોજભાઈ જૈન, સ્મીથ હર્ષદભાઈ પંચાલ, દેવાંશ શાહ, રિષભ દુગ્ગલ, પ્રતિક જૈન, અંકિત અગ્રવાલ, ચિરાગ જૈન, ચિંતન શાહ, અનુજ ઝવેરી, નિર્દેશ અગ્રવાલ, હાર્દિક જૈન, અંકિત અગ્રવાલ, પૂજન શાહ, એચલ બંસલ, હિતેશ ભોજવાણી, યસીન મહાદેવિયા, સુમેલ કામત, મંત્રેશ જૈન, રાહુલ તિવારી, પાર્થ જૈન, મંત્રાક મહેતા, આદિત્યા જૈન, રજીત આર્યા, લખન ઓડેદરા, પાર્થ અર્જુનભાઈ મોઢવાડિયા અને મનોજકુમાર અજીતકુમાર જૈન નિર્દોષ છૂટ્યા છે.








