Gujarat

ગુજરાતમાં 'સિઝેરિયન'નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો

By GS TEAM
8 Jun 20263 mins read
TukuTouch Logo
તબીબી ક્ષેત્રે સેવાભાવ મરી પરવાર્યો હોય અને નફાખોરી હાવી થઈ ગઈ હોય તેવા ચોંકાવનારા આંકડા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં સામે આવ્યા છે. રાજ્યમાં કુદરતી અને નોર્મલ ડિલિવરી કરાવવાને બદલે ઓપરેશન (સિઝેરિયન) કરીને બાળકોને જન્મ આપવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોની સરખામણીમાં ખાનગી હોસ્પિટલો માટે પ્રસુતિ હવે જાણે તબીબી પ્રક્રિયા રહી નથી પરંતુ કમાણીનું માધ્યમ બન્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 'સિઝેરિયન'નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો

C section delivery rates Gujarat: તબીબી ક્ષેત્રે સેવાભાવ મરી પરવાર્યો હોય અને નફાખોરી હાવી થઈ ગઈ હોય તેવા ચોંકાવનારા આંકડા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં સામે આવ્યા છે. રાજ્યમાં કુદરતી અને નોર્મલ ડિલિવરી કરાવવાને બદલે ઓપરેશન (સિઝેરિયન) કરીને બાળકોને જન્મ આપવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. ખાસ કરીને સરકારી હૉસ્પિટલોની સરખામણીમાં ખાનગી હૉસ્પિટલો માટે પ્રસુતિ હવે જાણે તબીબી પ્રક્રિયા રહી નથી પરંતુ કમાણીનું માધ્યમ બન્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 29 ટકા સિઝેરિયન

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં સરેરાશ 29 ટકા બાળકો હવે સિઝેરિયન દ્વારા જન્મી રહ્યા છે. અગાઉના સર્વેમાં આ પ્રમાણ 21 ટકા હતું, જે દર્શાવે છે કે ટૂંકા ગાળામાં જ ઓપરેશનના કેસોમાં 8 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે ગર્ભવતી મહિલાઓને નોર્મલ ડિલિવરી માટે પ્રોત્સાહિત કરવાને બદલે સીધી સર્જરી ટેબલ પર જ ધકેલી દેવામાં આવે છે. 

શહેરી વિસ્તારોની ચિંતાજનક સ્થિતિ

આ સર્વેક્ષણમાં શહેરી વિસ્તારોની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. શહેરોમાં સિઝેરિયનનું પ્રમાણ 40.6 ટકા સુધી પહોંચી ગયું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 21.7 ટકા છે. શહેરોમાં વધતી ભાગદોડ અને તબીબોની ઉતાવળ અથવા વધુ આર્થિક લાભ મેળવવાની લાલચે આ પરિસ્થિતિ સર્જી છે.

આ પણ વાંચો: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું

ગામડાની ખાનગી હૉસ્પિટલોમાં પણ દૂષણ

સર્વેના આંકડાઓએ ખાનગી હૉસ્પિટલો સામે જાણે શંકાની આંગળી ચિંધી દીધી છે. શહેરોની પ્રાઇવેટ હૉસ્પિટલોમાં પ્રસુતિ માટે આવતી દર બે મહિલાઓમાંથી એક મહિલા એટલે કે 49.4 ટકા બાળકો સિઝેરિયનથી જન્મે છે. ગામડાની ખાનગી હૉસ્પિટલોમાં પણ આ દૂષણ ફેલાઈ ચૂક્યું છે, જ્યાં 32 ટકા બાળકો ઓપરેશનથી જન્મે છે. મેડિકલ સાયન્સના નિયમો મુજબ માત્ર કટોકટીની સ્થિતિમાં જ સિઝેરિયન કરવાનું હોય છે, પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં દરેક કેસ કટોકટીનો જ બતાવીને દર્દીના પરિવારના ખિસ્સા ખંખેરવામાં આવે છે તેવું દર્દીઓ અનુભવી રહ્યા છે.

સરકારી હૉસ્પિટલોમાં સિઝેરિયનના દરમાં 3 ટકાનો વધારો

નવાઈની વાત એ છે કે મફત કે નજીવા દરે સારવાર આપતી સરકારી હૉસ્પિટલોમાં પણ હવે નોર્મલ ડિલિવરીનો ગ્રાફ ઘટ્યો છે. શહેરોની સરકારી હૉસ્પિટલોમાં 24.4 ટકા અને ગામડાની સરકારી હૉસ્પિટલોમાં 11.7 ટકા બાળકો ઓપરેશનથી જન્મે છે. સરકારી તંત્રમાં સ્ટાફની અછત અથવા જવાબદારીમાંથી છૂટવાની નીતિ આ માટે જવાબદાર હોઈ શકે છે. સરકારી હૉસ્પિટલમાં ઓપરેશનથી જન્મતા બાળકોના દરમાં 3 ટકાનો વધારો થયો છે.

વધુ કમાણી અને સમય બચાવવા ઓપરેશનનો આગ્રહ

ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પણ આ આંકડા જોયા પછી સામાન્ય માણસનો વિશ્વાસ ડગી જાય તે સ્વાભાવિક છે. નોર્મલ ડિલિવરીની પીડા સહન કરવાની દર્દીની ક્ષમતા ખૂટી જાય તે પહેલાં જ, ડૉક્ટરો વધુ કમાણી અને સમય બચાવવા માટે ઓપરેશનનો આગ્રહ રાખે છે. પ્રસુતાના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કર્યા વગર માત્ર આર્થિક ફાયદા માટે થતા સિઝેરિયન સામે હવે સરકારે કડક ઓડિટ પદ્ધતિ લાવવી જરૂરી બની ગઈ છે. જો ખાનગી હૉસ્પિટલોની આ લૂંટ પર લગામ નહીં કસાય, તો આવનારી પેઢીઓ કુદરતી રીતે જન્મ લેવાનું જ ભૂલી જશે.

આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ

ગુજરાતમાં સિઝેરિયનથી જન્મતા બાળકોની સ્થિતિ

શહેરોમાં : 40.6 ટકા

ગામડામાં : 21.7 ટકા

રાજ્યમાં કુલ : 29 ટકા

ખાનગી હૉસ્પિટલોમાં સિઝેરિયનનું પ્રમાણ

શહેરોમાં : 49.4 ટકા

ગામડામાં : 32 ટકા

કુલ : 39.8 ટકા

સરકારી હૉસ્પિટલમાં સિઝેરિયનનું પ્રમાણ

શહેરોમાં : 24.4 ટકા

ગામડામાં : 11.7 ટકા

કુલ : 15.6 ટકા