Gujarat BJP: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ફરી એકવાર રાજકીય ગતિવિધિઓથી ધમધમી ઉઠ્યું છે. પાર્ટી સંગઠનનું માળખું જાહેર કરવાની સાથે સાથે વિવિધ બોર્ડ-નિગમોમાં ચેરમેનથી લઈને ડિરેક્ટર સુધીના ખાલી પડેલા પદો પર પણ નિમણૂકો કરે તેવી પ્રબળ શક્યતા છે.
હાઇકમાન્ડની મંજૂરી
સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે ફરી એકવાર બોર્ડ-નિગમોમાં નિમણૂકોનું 'ગાજર' લટકાવ્યું છે. ચેરમેન પદ સાથે મળતા કાર અને બંગલાના લોભે દાવેદારોમાં સક્રિયતા વધી છે અને લોબિંગ શરૂ થઈ ગયું છે. ગુજરાત ભાજપના સંગઠનાત્મક નિમણૂકોને લઈને હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ હોવાના અહેવાલો છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠકમાં સંગઠનમાં કોનો સમાવેશ કરવો તે અંગે લગભગ નિર્ણય લેવાઈ ગયો છે, હવે માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે.
જાહેરાતની સંભવિત તબક્કાવાર પ્રક્રિયા
સૌ પ્રથમ, પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવશે. ત્યારબાદ, શહેર અને જિલ્લાની ટીમોની જાહેરાત થશે. છેલ્લે, વિવિધ મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. ભાજપે માત્ર સ્થાનિક સ્વરાજ્યની જ નહીં, પરંતુ વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને બોર્ડ-નિગમોમાં ખાલી પડેલા ચેરમેન અને ડિરેક્ટર પદ પર નિયુક્તિ કરવાનું નક્કી કર્યું છે.
છેલ્લા ઘણાં સમયથી બોર્ડ-નિગમોમાં 'અધિકારરાજ' (બ્યુરોક્રેટ્સનું શાસન) ચાલી રહ્યું હતું. હવે નિમણૂકોની શક્યતાને પગલે પદ મેળવવા માટે દાવેદારો ફરી સક્રિય થયા છે અને અત્યારથી જ પદ મેળવવા માટે સળવળાટ અને લોબિંગ શરૂ કરી દીધું છે.


