Seventh Day School News: અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વહીવટ હવે રાજ્ય સરકારે પોતાના હસ્તક લઈ લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવતા ખાનગી શાળા સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. જણાવી દઈએ કે, સેવેન્થ ડે સ્કૂલની બહાર વિદ્યાર્થીની હત્યા થઈ હતી, ત્યારથી સ્કૂલ રડારમાં છે. ત્યારે હવે તપાસ સમિતિના અહેવાલ બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાની વિવિધ અનિયમિતતા ટાંકીને નિર્ણય લેવાયો છે.
નવા પ્રવેશ અપાશે નહીં, જૂના વિદ્યાર્થીઓને રાહત
DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. હવે પછી આ સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં. પરંતુ આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં. તેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે.



ગરીબ-મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ હતી સ્કૂલ
સેવન્થ-ડે સ્કૂલ અમદાવાદ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોને સાવ પરવડે તેવી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે જાણીતી હતી. ક્રિશ્ચિયન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થાનો વહીવટ સરકારે હસ્તગત કરતા આ નિર્ણય પાછળના કારણો અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
શિક્ષણ વિભાગનો આ નિર્ણય રાજ્યમાં ખાનગી શાળાઓના વહીવટ અને ભવિષ્યના પ્રવેશ અંગે એક મહત્ત્વની અસર કરી શકે છે, જે આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રે નવા કાયદાકીય અને વહીવટી પ્રશ્નો ઊભા કરી શકે છે.


