Get The App

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું

થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં ડ્રગ્સ પર પ્રતિબંધ છે

સુરતમાં રહેતા એક શખ્સ ગુજરાત એટીએસ દ્વારા ધરપકડઃ અન્ય બેની શોધખોળ શરૂ કરીઃ અત્યાર સુધીમાં ૧૨૫ કિલો એટોમિટેડ ડ્રગ્સને એરકાર્ગોથી વિદેશમાં મોકલાયું

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું 1 - image

અમદાવાદ, શનિવાર

ગુજરાતના સુરતમાં રહેતા ત્રણ શખ્સો દ્વારા એલોવેરા પાવડરના નામે થાઇલેન્ડ, મલેશિયા અને સિગાપુર સહિતના દેશમાં એટોમિટેડ ડ્રગ્સનો પાવડર મોકલવાના કૌભાંડનો એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશમાં પ્રતિબંધિત એવા આ ડ્રગ્સનો હાલ ભારતમાં પ્રતિબંધ ન હોવાનો ગેરફાયદો લઇને સુરતમાં રહેતા શખ્સો વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતા હતા અને એલોવેરા પાવડરના નામે અત્યાર સુધી વિદેશમાં ૧૨૫ કિલો ઉપરાંતનો એટોમિટેડ ડ્રગ્સનો જથ્થો મોકલી ચુક્યા હતા. ગુજરાત એટીએસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

એટોમિટેડ ડ્રગ્સને એલોવેરા પાવડરના નામે વિદેશમાં મોકલવાનું કૌભાંડ ઝડપાયું 2 - imageગુજરાત એટીએસના અધિકારીઓને બાતમી મળી હતી કે ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ સહિતના  દક્ષિણ પૂર્વના દેશોમાં એટોમિટેડ નામનું એનાલજેસિક ડ્રગ્સ પ્રતિબંધિત ડ્રગ્સની શ્રેણીમાં આવે છે. પરંતુ, ભારતમાં આ ડ્રગ્સનો ઉપયોગ અન્ય કામમાં થતો હોવાથી હાલ  તના પર પ્રતિબંધ નથી. જેનો ગેરલાભ ઉઠાવીને સુરતમાં રહેતા કેટલાંક લોકો એટોમિટેડ ડ્રગ્સને ખોટા બિલ,  ખોટા કસ્ટમ ક્લીયરન્સના કાગળમાં  એલોવેરા પાવડરના નામે મુંબઇ એરપોર્ટથી મોકલીને મોટાપ્રમાણમાં ડ્રગ્સનું રેકેટ ચલાવે છે. જેના આધારે મુંબઇ કાર્ગોમાં શંકાસ્પદ પાર્સલમાં તપાસ કરતા એલોવેરા પાવડરના પાર્સલમાં એટોમિટેડ ડ્રગ્સનો જથ્થો મળીને આવતા એટીએસના અલગ અલગ અધિકારીઓની ટીમે નિકુંજ ગઢિયા (રહે. બ્લુ કેન્ડલ, કતારગામ, સુરત)ને ઝડપી લીધો હતો. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેની માફક ચેતન વાવડીયા (રહે. આનંદધારા સોસાયટી, મોટા વરાછા, સુરત) અને ભૌતિક પદમણી (રહે. સંસ્કૃૃત એવન્યુ,અમરોલી, સુરત) પણ એલોવેરાના નામે એટોમિટેડ ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા.  આ અંગે એટીએસના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે નિકુંજ ગઢિયા તેની કંપની ડીડબ્યુએન બાયોસાયન્સના નામે ૫૦ કિલો એટોમિટેડ ડ્રગ્સ મલેશિયામાં ત્રણ વ્યક્તિઓને એક્સપોર્ટ કરી ચુક્યો હતો. ચેતન વાવડીયા તેની કંપની જાની ફાર્માના નામે  મલેશિયા અને થાઇલેન્ડમાં ૫૦ કિલો ડ્રગ્સ અને ભૌતિક પદમણી ૨૫ કિલો ડ્રગ્સ વિદેશમાં મોકલી આપ્યા હતા.  આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો કિંમત સાડા ત્રણ લાખ ઉપરાંતની છે. આ ડ્રગ્સ ખુબ જ ખતરનાક હોય છે. જેનો ઓવરડોઝ માણસને મોત આપી શકે છે. અમેરિકામાં આ ડ્રગ્સ સાથે અન્ય ડ્રગ્સ ઉમેરીને સેવન કરવામાં આવે છે. 

સૌથી નવાઇની વાત એ છે કે આ ડ્રગ્સ હાલ ભારતમાં એનડીપીએસ એક્ટની કેટેગરીમાં નથી આવતું. જેથી મોટાપ્રમાણમાં વિદેશી ડ્ગ્સ માફિયાઓ ભારતમાંથી એક્સપોર્ટ કરાવીને મોટાપ્રમાણમાં કારોબાર કરે છે. અન્ય રાજ્યોની એજન્સીઓ પણ અંગે તપાસ કરી રહી છે.