Get The App

મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ

છાણાં, તેમજ સ્ટીકથી હોળીકા દહન થશે, તંત્ર ૨૫૦૦ રુપિયામાં સામગ્રી પહોંચાડશે

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ 1 - image

     

  અમદાવાદ, બુધવાર,18 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન હોળી અભિયાન અંતર્ગત આ વર્ષે ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ કરવામા આવી છે. લાકડાનો ઉપયોગ ઘટાડવા છાણાં તથા છાણામાંથી બનાવાયેલી સ્ટીકથી હોળીકા દહન કરવામા આવશે. તંત્ર દ્વારા રુપિયા ૨૫૦૦ ટોકન દરથી તમામ સામગ્રી ઘર આંગણે પહોંચતી કરવામાં આવશે.

બીજી માર્ચના રોજ હોળી પર્વની ઉજવણી કરવામા આવશે.આ પર્વને ધ્યાનમા લઈ પર્યાવરણ બચાવવાના ભાગરૃપે કાર્બન ડાયોકસાઈડના પ્રમાણને નિયંત્રિત કરવા ગાયના છાણ તથા તેમાંથી બનાવવામા આવેલ ચીજોનો ઉપયોગ કરીને વૈદિક હોળીના થીમને ગત વર્ષની જેમ આ વર્ષે પણ આગળ વધારવા નિર્ણય લેવામા આવ્યો છે.સી.એન.સી.ડી.વિભાગના નરેશ રાજપૂતે કહ્યુ, દાણીલીમડા અને બાકરોલ ખાતે આવેલા કોર્પોરેશનના ઢોરના ડબામા હાલ ૧૦૯૦  જેટલા પશુઓ રાખવામા આવ્યા છે. દૈનિક ૨૮૦૦ કિલોગ્રામ છાણ અને ગ્રીન વેસ્ટ મળે છે.જેમાંથી છાણાં, છાણમાંથી સ્ટીક,ખાતર, કોડીયા બનાવવામા આવે છે. ગત વર્ષે ૪૨ સ્થળોએ વૈદિક હોળી  પ્રગટાવવામા આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૨૧ સ્મશાનગૃહોમા પણ છાણા પુરા પાડવામા આવે છે.કોર્પોરેશનના ૨૫૦થી વધુ ગાર્ડનમાં પણ છાણમાંથી બનાવવામા આવેલ ખાતરનો ઉપયોગ કરવામા આવે છે.

હોળી દીઠ અંદાજે ૧૮૦ કિલો લાકડાની બચત થઈ શકે

અમદાવાદમાં કરવામા આવતા હોલીકા દહન દરમિયાન સરેરાશ ૬૦૦થી ૭૦૦ કિલો લાકડાનો ઉપયોગ કરવામા આવતો હોય છે. છાણા અને છાણામાંથી બનાવાયેલી સ્ટીકના ઉપયોગથી એક હોળી દીઠ અંદાજે ૧૮૦ કિલો લાકડાની બચત થઈ શકે  એમ કોર્પોરેશનના  અધિકારીનું કહેવુ છે.