Gujarat

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે

By GS TEAM
30 Nov 20252 mins read
કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અપાતી ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરાશે

વિસ્તારની બહાર તથા પર્સનલ ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદ

ગ્રાન્ટનો દુરૃપયોગ અને ગેરરીતિ અટકાવવા સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય ઃ ૧૦ હજાર નવી ખુરશી માટે મંજૂરી 

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવતી ખુરશીઓના દુરુપયોગની ફરિયાદોને પગલે સ્ટેન્ડિંગ કમિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છેલ્લા પાંચથી સાત વર્ષથી કોર્પોરેટરો દ્વારા ખુરશીઓની ખરીદી કરવામાં આવી રહી છે, જે માત્ર મહાનગરપાલિકા વિસ્તારમાં અને સંબંધિત વોર્ડમાં જ વિતરણ થવી જોઈએ. જોકે, આ ખુરશીઓ ગમે ત્યાં ફરતી હોવાની અને તેનો અયોગ્ય ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગેરરીતિ અટકાવવા નવી ખુરશીઓ પર જીએમસીનો એમ્બોઝ લોગો ફરજિયાત રાખવાનો નિર્ણય કરાયો છે.

કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખુરશી ખરીદવાની પ્રથા લાંબા સમયથી ચાલી આવે છે. મહાનગરપાલિકાની બીજી ટર્મની શરૃઆતમાં જ એકસાથે એક લાખ ખુરશીઓની ખરીદીનો ઓર્ડર આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેણે ભારે વિવાદ જગાવ્યો હતો. આ વિવાદ બાદ આ મોટી ખરીદીનો ઓર્ડર ઘટાડી દેવામાં આવ્યો હતો અને તેને તબક્કાવારરીતે ૨૦ હજાર ખુરશીઓ ખરીદવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં આ ૨૦ હજાર ખુરશીઓની ખરીદીના બીજા તબક્કા અંતર્ગત ૧૦ હજાર ખુરશીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, સ્ટેન્ડિંગ કમિટીએ વર્તમાન એજન્સી પાસેથી જ આ ખુરશીઓ ખરીદવાની મંજૂરી આપી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, આ ખુરશીઓ મહાનગરપાલિકાના ખર્ચે અને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવતી હોવાથી તેનો યોગ્ય ઉપયોગ થાય તે ખૂબ જ જરૃરી છે. તેની પાકી ઓળખ બને તે હેતુથી જ દરેક ખુરશી પર જીએમસીનો લોગો એમ્બોઝ કરવાનો નિર્ણય લેવાયો છે.