Gujarat

પોલીસ ભરતીમાં પાસ ન થતા યુવતીએ જિંદગી ટુંકાવી લીધી

By GS TEAM
28 Feb 20261 min read
પોલીસ ભરતીમાં પાસ ન થતા યુવતીએ જિંદગી ટુંકાવી લીધી

જૂનાગઢ તાલુકાના વધાવી ગામમાં ગમગીની : એક-બે ગુણ માટે રહી ગયાનું લાગી આવતા પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો

જૂનાગઢ,  જૂનાગઢ તાલુકાના વધાવીમાં રહેતી એક યુવતીએ પોલીસ ભરતી માટે મહેનત કરી હતી પરંતુ તેમાં પાસ ન થતા તેણીએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વધુ વિગત મુજબ વધાવી પ્લોટ વિસ્તારમાં રહેતા પૂનમબેન મારખીભાઈ મારડીયા(ઉ.વ.ર૧)એ પોલીસની ભરતી માટે મહેનત કરી હતી. રાજકોટ ખાતે ફિઝીકલ કસોટી આપી હતી. તેમાં સફળ રહી હતી પરંતુ લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થઈ શકી ન હતી. આ બાબતના કારણે પૂનમબેન નિરાશ રહેતી હતી. મહેનત કરવા છતાં પોલીસની ભરતીમાં એક-બે માર્કસ માટે પાસ ન થતા આ બાબતનું તેણીને લાગી આવ્યું હતું. ગઈકાલે તેણીએ ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી. આ અંગે જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચ્યો હતો. મૃતદેહને પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.