Gir Forest Lion Cub Deaths: ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત નીપજ્યા છે, ત્યારે વન વિભાગ અને અનુભવી વેટરનરી ડૉક્ટરોની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીરી તેજ કરવામાં આવી છે.
ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ)ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના સતત થઈ રહેલા મોતના પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં 4 સિંહબાળના કરુણ મોત નીપજતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આમ, એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે વન વિભાગે સિંહના વેક્સીનેશનની કામગીરી હાથ ધરી છે.
વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગત આપતા કહ્યું હતું કે, પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોના આ શંકાસ્પદ મોત ‘બેબિસીયોસિસ’ નામના વાઈરસથી થયા હોવાની આશંકા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3 થી 4 દિવસમાં આવી જશે.
અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીરી તેજ
આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પણ જોડાયેલી છે. અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’-ઈતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
છેલ્લા એક અઠવાડિયાનો મૃત્યુઆંક અને સ્થિતિ વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં 8 બાળસિંહોના શંકાસ્પદ દુ:ખદ મૃત્યુ થયા છે. જો કે, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. જ્યાં પણ જરૂર જણાય ત્યાં નિયમબદ્ધ રીતે પ્રિવેન્ટિવ વેક્સિનેશન સહિતના તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે.


