Get The App

યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરેશાન

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધની અસર રાજ્યના મંદિરો પર: ડાકોરના રણછોડરાય અને પીપળાવના આશાપુરી મંદિરમાં ભોજનાલય બંધ, ભક્તો પરેશાન 1 - image

Middle East War Impact In Gujarat Temple: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે ગુજરાતના સુપ્રસિદ્ધ શ્રદ્ધાધામો સુધી પહોંચી છે. આ યુદ્ધને કારણે સર્જાયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતને પગલે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને આણંદ જિલ્લાના પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના મંદિરની ભોજન પ્રસાદી અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે.

રણછોડરાયના દ્વારે ભક્તો ભોજન પ્રસાદથી વંચિત

મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો માટે ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદીની સેવા હાલ યુદ્ધના કારણે બંધ કરી દેવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યાનુસાર, શનિવાર અને રવિવારના રોજ અંદાજે 2 હજારથી વધુ ભક્તો ભોજનનો લાભ લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં 1 હજાર જેટલા ભક્તો અહીં પ્રસાદ લેતા હતા. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા રસોડામાં ઈંધણની અછત સર્જાઈ છે. મંદિર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જેવી સિલિન્ડરની પૂર્તિ થશે, કે તુરંત ભોજન પ્રસાદી ફરી કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ: આનંદનગરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, 65 સિલિન્ડર અને 2 રિક્ષા સાથે એકની ધરપકડ

આશાપુરી માતાજીના મંદિરે ભોજન પ્રસાદી બંધ

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીનું મંદિર પણ ગેસ સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં વર્ષોથી ચાલતી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ઈંધણના અભાવે બંધ કરવી પડી છે. દર રવિવારે અહીં સમગ્ર ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. ભોજનાલય બંધ થતા દૂર-દૂરથી આવતા ભક્તોને હવે બહારની હોટલો કે નાસ્તાના સેન્ટરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી કોમર્શિયલ ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે. મંદિર પ્રશાસનના તમામ પ્રયાસો છતાં જરૂરિયાત મુજબના બાટલા ન મળતા અંતે ભોજન પ્રસાદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છેકે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જ નહીં, પરંતુ સામાન્ય જનતા અને ધાર્મિક સંસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. સ્થાનિકો અને ભક્તોની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના આ સમયગાળામાં આવશ્યક સેવાઓ અને ધાર્મિક સ્થાનો માટે ગેસની પૂર્તિ અગ્રતાના ધોરણે કરવામાં આવે, જેથી હજારો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધા જળવાઈ રહે.