Gujarat

અમદાવાદને મેટ્રો આપવામાં ભલે વાર લાગી, ગાંધીનગરને ત્રણ વર્ષમાં મળશે

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
અમદાવાદને મેટ્રો આપવામાં ભલે વાર લાગી, ગાંધીનગરને ત્રણ વર્ષમાં મળશે

2024 પહેલાં મહત્વના સ્થળોને રેલ કનેક્ટિવિટી

વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદ અને લોકસભાની ચૂંટણી પહેલાં પાટનગરના મુસાફરોને મેટ્રો રેલનો લાભ આપવા તૈયારી

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અમદાવાદ અને લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરના મુસાફરોને મેટ્રોરેલમાં બેસવાની તક મળશે, કેમ કે સરકારે બન્ને તબક્કાના કામોને ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. આ બન્ને તબક્કાનો કુલ ખર્ચ 19500 કરોડ થવાની ધારણા છે.

આ બન્ને શહેર વચ્ચે મેટ્રોરેલ શરૂ કરવાનું 2003માં વિચારવામાં આવ્યું હતું ત્યારે પ્રોજેક્ટનો ખર્ચ 3500 કરોડ અંદાજવામાં આવ્યો હતો. જો કે તે સમયે સરકારે મેટ્રોના સ્થાને બીઆરટીએસ પસંદ કરતા કેન્દ્રએ 2005માં મેટ્રોરેલની દરખાસ્ત ફગાવી દીધી હતી પરંતુ એનડીની સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં મેટ્રોરેલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

પ્રથમ તબક્કાની 40.06 કિલોમીટરની કામગીરી 2015માં શરૂ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીમાં માત્ર 6.5 કિલોમીટરનો ટ્રેક પૂર્ણ થયો છે. કામગીરી શરૂ થયાના છ વર્ષમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાના ત્રણ કમિટમેન્ટ નિષ્ફળ ગયા છે પરંતુ હવે પ્રથમ તબક્કાના કામો વિધાનસભાની ચૂંટણી પહેલાં એટલે કે 2022ની મધ્યમાં અને ગાંધીનગરના 28.05 કિલોમીટરના બીજા તબક્કાના કામો 2024 પહેલાં પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.

મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પ્રથમ કોરિડોર 22.84 કિલોમીટરની લંબાઇનો હશે જે મોટેરાથી મહાત્મા મંદિરને જોડશે જ્યારે બીજો કોરિડોર 5.42 કિલોમીટરનો છે જે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે.

આ તબક્કામાં પીલર્સ અને ગડર્સના 70 ટકા કામો પૂર્ણ થવા આવ્યા છે.મેટ્રોરેલના બીજા તબક્કાનો કુલ ખર્ચ 5384 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે પરંતુ તેમાં બીજા 1500 કરોડ વધી જાય તેવી સંભાવના છે. આ તબક્કાનું ભૂમિપૂજન અને સિવિલ વર્ક જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું, હાલ પીલર્સ, યુ-ગડર્સ સહિત 1011.59 કરોડના ખર્ચે કામો ચાલી રહ્યાં છે.