ગાંધીનગર: GNLUમાં ગંભીર સ્વાસ્થ્ય સંકટ! અસ્વચ્છતા અને બેદરકારીથી 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, ડેન્ગ્યુના 93 કેસનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GNLU Health Crisis: ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)માં એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ ઉભું થયું છે. યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થી મંડળે કરેલા સર્વે અનુસાર 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે. કેમ્પસમાં ડેન્ગ્યુના 93 કેસ નોંધાયા છે, જ્યારે 10 ટાઇફોઇડ, 58 વાયરલ ચેપ, 20 ફૂડ પોઇઝનિંગ અને 19 અન્ય ચેપના કેસ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી મંડળે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
પીવાના પાણીની સુરક્ષા, ખોરાકની સ્વચ્છતા અને ગટરની જાળવણી બાબતે યુનિવર્સિટી પ્રશાસનની બેદરકારી અંગે વિદ્યાર્થી મંડળે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ગંભીર આરોપો મૂક્યા છે. ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગોના કેસમાં આટલો મોટો ઉછાળો આવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા તાત્કાલિક માળખાકીય સમારકામ કરવાને બદલે માત્ર આશ્વાસન આપતી સલાહ આપવાનું વલણ અપનાવવામાં આવ્યું છે.
દૂષિત પાણી અને અસ્વચ્છતાના જોખમો
વિદ્યાર્થી મંડળે કેમ્પસમાં ફેલાયેલા રોગચાળાએ મૂળભૂત સુવિધાઓની નિષ્ફળતા ખુલ્લી પાડી દીધી છે. પીવાના પાણીમાં ક્લોરિનનો તીવ્ર સ્વાદ આવવો તેમજ 'શિષ્ય ભવન'ના ત્રીજા માળે RO ફિલ્ટરનો અભાવ હોવા અંગે વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરી છે. બોયઝ હોસ્ટેલમાં ફિલ્ટર મેન્ટેનન્સ દરમિયાન ટોઇલેટ સીટ સાફ કરવા માટે વપરાતા મગનો ઉપયોગ કરાતો હોવાનું વિદ્યાર્થીઓએ જોતાં સ્થિતિ વધુ વણસી હતી.
હોસ્ટેલ પરિસરમાં નીચે મુજબના અસ્વચ્છતાના જોખમો
- ગર્લ્સ હોસ્ટેલ પરિસર નજીક ગટર લીકેજની ઉકેલાયેલી ન હોય તેવી સમસ્યાને કારણે સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે.
- બોયઝ હોસ્ટેલના રૂમ નંબર GF-26 ની સામે સીલિંગ બીમમાંથી અંદાજે એક મહિનાથી સતત ગંદુ પાણી ટપકી રહ્યું છે, જેના પર પ્રાણીઓના ઉપદ્રવથી સ્વચ્છતાનું ભારે જોખમ ઊભું થયું છે.
- ડેન્ગ્યુ અને મચ્છરજન્ય ચેપમાં ભારે વધારો થવા છતાં હોસ્ટેલના શૌચાલયોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી નથી.
- મેસના ખોરાકમાંથી ધાતુના બ્લેડ, પથ્થર, મરેલા જીવજંતુઓ અને કાચના ટુકડા જેવી ભયજનક વસ્તુઓ વારંવાર મળી આવી છે.
સંસ્થાકીય જવાબદારી અને વિદ્યાર્થીઓની માંગણીઓ
વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ મેન્ટેનન્સ પેટે અંદાજે 28,000 રૂપિયા અને મેસ ફી તરીકે 42,000 રૂપિયા ચૂકવે છે. આમ છતાં, બીમાર પડ્યા બાદ બહારથી સ્વચ્છ પાણી અને ખોરાક ખરીદવો પડતાં તેઓ આર્થિક બોજ હેઠળ દબાયા છે. આ સિવાય, ખીચડી કે ઈડલી જેવો સાદો આહાર મંગાવનાર વિદ્યાર્થીઓને વૉર્ડન દ્વારા અપમાનિત કરાતા હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કર્યો છે.
વિદ્યાર્થી મંડળે નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ કરી
- બાહ્ય નિષ્ણાતો દ્વારા કેમ્પસનું સ્વતંત્ર હેલ્થ અને સેફ્ટી ઓડિટ કરવામાં આવે.
- ઈ. કોલાઈ અને સાલ્મોનેલા ટાઈફી જેવા રોગકારક જીવાણુઓ માટે વ્યાપક માઇક્રોબાયોલોજિકલ ટેસ્ટિંગ કરાવવામાં આવે.
- શૈક્ષણિક રાહત મેળવવા માટે હોસ્પિટલમાં દાખલ થવું ફરજિયાત બનાવતી વર્તમાન મેડિકલ મુક્તિ નીતિમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે.
- સ્ટુડન્ટ્સ બોડી એસોસિએશન (SBA)ના સક્રિય પ્રતિનિધિત્વ ધરાવતી એક સ્વતંત્ર મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવે.




