Gujarat

હવે 'ડિજિટલ ડેટા' પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય

By GS TEAM
8 May 20262 mins read
TukuTouch Logo
ટેકનોલોજીના આધુનિક યુગમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની ભૌતિક સંપત્તિના વારસા વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના ડિજિટલ ડેટાનું શું? આ જટિલ પ્રશ્ન પર ગાંધીનગરની અદાલતે એક અત્યંત પ્રગતિશીલ અને દૂરગામી અસર ધરાવતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મૃતક વ્યક્તિનો આઈફોન, એપલ આઈડી અને આઈક્લાઉડ એકાઉન્ટમાં રહેલો ડેટા એ તેમની ‘વારસાગત એસ્ટેટ’નો જ ભાગ છે અને તેના પર વારસદારોનો કાનૂની હક્ક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે 'ડિજિટલ ડેટા' પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય

Gandhinagar Court Judgment On Digital Data: ટેકનોલોજીના આધુનિક યુગમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની ભૌતિક સંપત્તિના વારસા વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેના ડિજિટલ ડેટાનું શું? આ જટિલ પ્રશ્ન પર ગાંધીનગરની અદાલતે એક અત્યંત પ્રગતિશીલ અને દૂરગામી અસર ધરાવતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મૃતક વ્યક્તિનો આઈફોન, એપલ આઈડી અને આઈક્લાઉડ એકાઉન્ટમાં રહેલો ડેટા એ તેમની ‘વારસાગત એસ્ટેટ’નો જ ભાગ છે અને તેના પર વારસદારોનો કાનૂની હક્ક છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસની વિગત અનુસાર, એક વ્યક્તિના અવસાન બાદ તેમના પરિવારને આઈફોન અને આઈક્લાઉડ એકાઉન્ટમાં સંગ્રહિત ફેમિલી ફોટોગ્રાફ્સ, વિડિયોઝ, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને વોઇસ નોટ્સની જરૂરિયાત ઊભી થઈ હતી. જ્યારે પરિવારે આ ડેટા મેળવવા માટે ટેક જાયન્ટ 'એપલ' (Apple) કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે કંપનીએ સુરક્ષા અને પ્રાઇવસીની નીતિઓ ટાંકીને કોર્ટના સત્તાવાર આદેશ વગર ઍક્સેસ આપવાનો ઇનકાર કર્યો હતો. આખરે, ન્યાય મેળવવા માટે પરિવારે ગાંધીનગરની અદાલતમાં 'ઈન્ડિયન સક્સેશન એક્ટ' હેઠળ અરજી દાખલ કરી હતી.

કોર્ટનું મહત્વનું અવલોકન: પ્રાઇવસી અને મિલકતનો અધિકાર

અદાલતે આ કેસમાં ‘મિલકત’ની વ્યાખ્યાને આધુનિક સંદર્ભમાં વ્યાપક બનાવી હતી. અદાલતે નોંધ્યું કે, ડિજિટલ ડેટામાં માલિકી હક્ક અને મૂલ્ય જેવા મિલકતના તમામ મૂળભૂત તત્વો રહેલા છે, તેથી તેને વારસાગત સંપત્તિ ગણવી જોઈએ. કોર્ટે મહત્વનું અવલોકન કર્યું કે, વ્યક્તિગત પ્રાઇવસીનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે અને તે તેના કાનૂની વારસદારોને ડેટા ઍક્સેસ કરતા રોકી શકે નહીં. આજના સમયમાં વ્યક્તિનું જીવન ડિજિટલ ઇકોસિસ્ટમ સાથે અતૂટ રીતે જોડાયેલું હોવાથી ડિજિટલ વારસો અનિવાર્ય છે.

અરજદારના એડવોકેટની દલીલો

અરજદાર તરફે જાણીતા એડવોકેટ જીત જે. ભટ્ટ દ્વારા સંશોધનલક્ષી દલીલો રજૂ કરવામાં આવી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને 'ડિજિટલ એસ્ટેટ જ્યુરિસ્પ્રુડન્સ'નો સંદર્ભ આપી સમજાવ્યું હતું કે ડિજિટલ એસેટ્સનું સંચાલન પરિવાર માટે માત્ર આર્થિક જ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે પણ કેટલું અનિવાર્ય છે. અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી મૃતકની પુત્રીને ‘લેટર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન’ મંજૂર કર્યા છે.

એપલ કંપનીને ટેકનિકલ સહાયનો આદેશ

અદાલતે આ ઐતિહાસિક ચુકાદામાં એપલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ વારસદારોને ડેટા રિકવરીમાં જરૂરી તમામ ટેકનિકલ સહાય પૂરી પાડે. આ નિર્ણયથી ભવિષ્યમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઈ-મેઈલ્સ અને ક્રિપ્ટોકરન્સી જેવા ડિજિટલ વારસાના કેસોમાં એક નવી કાનૂની દિશા મળશે.

આ પણ વાંચો: વટવા મર્ડર કેસ: 34 વર્ષ બાદ DNA રિપોર્ટે ઉકેલ્યો હત્યાનો ભેદ, 20 ફૂટ ઊંડેથી મળેલું કંકાલ ફરજાનાનું જ હોવાનું સાબિત

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને વારસો

અદાલતે એ બાબત પર પણ ભાર મૂક્યો કે ડિજિટલ ડેટા માત્ર ટેકનિકલ માહિતી નથી, પરંતુ વ્યક્તિની ભાવનાત્મક મૂડી છે. જો મૃતક વ્યક્તિએ કોઈ નોમિનીની નિમણૂક ન કરી હોય, તો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 ની જોગવાઈઓ મુજબ પણ તેના સંચાલનનો અધિકાર કાનૂની વારસદારોને જ મળે છે.